- કેટલીક યુવતીઓએ રાખડી બનાવી વેચાણ પણ શરૂ કર્યું
- શહેરના મહિલા મંડળે ટેકો આપી જરૂરિયાત મંદને જોતર્યા
- રાખડી બનાવીને યુવતીઓની 2થી 5 હજારની કમાણી કરી
ભાવનગર: કોરોનાકાળમાં આર્થિક સ્થિતિનું નિર્માણ થયું અને એક પરિવારમાં કમાણી કરતા સભ્યોની આવકમાં ઘટાડો થયો છે. તેથી પરિવારના અન્ય સભ્યોને ઘરનું બજેટ જાળવવા મેદાનમાં ઉતરવું પડ્યું છે, પરંતુ જેને દીકરીઓ ઘરમાં હોય તો શું ? તો જવાબ છે હા દીકરીઓ પણ ઘરમાં ટેકો કરાવવા મેદાનમાં આવી છે. કેટલીક યુવતીઓ રક્ષાબંધન પર્વમાં રાખડી બનાવી આવક મેળવી રહી છે.
આ પણ વાંચો- મોરબીમાં સખી મંડળની બહેનોએ કોરોના વોરિયર્સની રક્ષા માટે રાખડી બનાવી
મધ્યમ વર્ગનો મોટો વર્ગ કોરોનાકાળમાં આર્થિક ભીસમાં આવ્યો છે
ભાવનગર શહેરની વસ્તી સાત લાખની આસપાસ છે અને મધ્યમ વર્ગનો મોટો વર્ગ કોરોનાકાળમાં આર્થિક ભીસમાં આવ્યો છે. કોરોનામાં ઘરમાં પિતા કે ભાઈની ગયેલી નોકરી કે મજૂરી કામ નહીં મળવાથી ઘરની યુવતીઓ પણ મેદાનમાં આવી છે. શહેરની કેટલીક યુવતીઓને મહિલા મંડળોએ સહકાર આપી આર્થિક આવક વધારવામાં મદદરૂપ બન્યા છે. ચારથી પાંચ યુવતીઓ હાલમાં સામે આવી છે જેઓ અલગ-અલગ તહેવારમાંથી આવક મેળવી રહી છે.
આજે જોબ કરવા છતાં પણ યુવતીઓ રાખડી બનાવે છે
યુવતીઓને સહકાર આપનાર રીનાબેન શાહે જણાવ્યું હતું કે, ભારતમાં પહેલા ગૃહ ઉદ્યોગ એટલે જ ધમધમતા હતા કે મહિલાઓ બે-ચાર પૈસાની મદદ કરી શકે. આજે જોબ કરવા છતાં પણ યુવતીઓ રાખડી બનાવે છે. ગૃહઉદ્યોગ હેઠળ રાખડી બનાવવી, ગરબા બનાવવા, ઘરની સુશોભન વસ્તુઓ બનાવવી આ બધું હાલમાં પણ ફરી થઇ રહ્યું છે. યુવતીઓ રાખડીઓ બનાવી છે અને આવી પ્રવૃત્તિમાંથી તેઓ 2થી 5 હજાર કમાઈને પોતાના ઘરમાં ટેકો કરે છે. રોજનું રળીને રોજનું ખાતા પરિવારની યુવતીઓ પોતાના પરિવારમાં ટેકો કરી રહી છે.
યુવતીઓએ રાખડીઓનું વેચાણ કર્યું શરૂ
ભાવનગર શહેરમાં મધ્યમ વર્ગના ઘરની યુવતીઓને નોકરી પણ નહિં મળતા આર્થિક ઉપાર્જન કેવી રીતે કરવું? આ પ્રશ્ન સતાવે છે. આશરે ચારથી પાંચ એવી શિક્ષિત યુવતીઓને ભાવનગરના રીના શાહે પોતાના મહિલા મંડળ મારફતે મદદ કરવાની બાંહેધરી આપી અને છેલ્લા એક મહિનાથી રાખડીઓ બનાવે છે અને યુવતીઓએ હવે વેચાણ પણ શરૂ કર્યું છે.
આ પણ વાંચો-#RakshaBandhan આજે રક્ષાબંધન, ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર
ઘરમાં પરિવારને મદદ કરવા રાખડી બનાવતી યુવતીઓ
રાખડી બનાવતી ખુશાલી વેગડ જણાવે છે કે, કોરોનામાં પપ્પા અને ભાઈની ઇન્કમમાં ઘટાડો થયો છે અને હું એજ્યુકેટેડ છું, પણ હાલ રાખડી બનાવી બે-ચાર પૈસા કમાઈ રહ્યા છે. ત્યારે બીજા એક યુવતી પારૂલ બોરીચાએ જણાવ્યું હતું કે, કોરોનામાં પિતા-ભાઈને મદદરૂપ થવાથી ઘરમાં રાહત રહે છે અને અમારી જરૂરિયાત પણ પૂર્ણ થાય છે.