- મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 4 લાખ થેલીની વિક્રમી આવક નોંધાઈ
- એક જ દિવસમાં 2 અબજ રૂપિયાની ડુંગળીનું ખરીદ વેચાણ થયું
- ડુંગળીના ભાવમાં સતત વધારો થતા મોટા પ્રમાણમાં આવક નોંધાઈ
- મહુવા યાર્ડે ભાડે લીધેલી જગ્યા પણ ડુંગળી મુકવા માટે ઓછી પડી
ભાવનગરઃ છેલ્લા 5 દિવસથી ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ખેડૂતો પણ યાર્ડમાં વધારે જથ્થામાં ડુંગળી લાવી રહ્યા છે. રોજ દોઢથી 2 લાખ થેલી ડુંગળી આવતી હતી. ભાવ રૂપિયા 600ને પાર થઈ જતા ડુંગળીની આવક બમણી થઈ હતી. જોકે, યાર્ડમાં જગ્યા ન હોવાથી યાર્ડ તરફથી યાર્ડની બાજુમાં અને હનુમંત હોસ્પિટલ નજીક જગ્યા ભાડે રાખવામાં આવી હતી, પરંતુ તે જગ્યા પણ ઠસોઠસ ભરાઈ ગઈ હતી. મહુવા શહેર અને બાયપાસ રોડ ઉપર ડુંગળી સિવાય અન્ય કોઈ વાહનો દેખાતા ન હતા અને ડુંગળીના વાહનો જ્યાં ત્યાં ઉભા રહી જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને ટ્રેક્ટરચાલકો બેફામ ચલાવતા મહુવામાં અંધાધૂંધી મચી હતી. જ્યારે એક બાઈકવાળાને યાર્ડ પાસે એક ટ્રેક્ટરવાળાએ અડફેટે પણ લીધો હતો.
મહુવા યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના અપાઈ
મહુવા યાર્ડમાં 4 લાખ થેલીની વિક્રમી અને ઈતિહાસિક આવક થતા યાર્ડના સત્તાધીશો દ્વારા તરત મીડિયા મારફતે જાણ કરીને બીજી સૂચના ન મળે ત્યાં સુધી લાલ કે સફેદ ડુંગળી ન લાવવા સૂચના આપી દેવાઈ છે. મહુવા યાર્ડમાં આટલા મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થતા મહુવાના વેપારીઓ પણ ગેલમાં આવી ગયા છે તેમ જ કાંદાના ભાવો પણ ઊંચા રહેતા મોટા પ્રમાણમાં કમિશન પણ થતું હોવાથી વેપારીઓ આંનદમાં આવી ગયા છે. મહુવામાં બે જ દિવસમાં આટલું મોટું ટર્નઓવર પણ એટલા સમયમાં સૌથી વધુ હશે. આમ, ડુંગળીની આવક બહોળા પ્રમાણમાં થતા મહુવાના લોકો માટે બિઝનેસની નવી તકો પણ ઉભી થઈ છે.
ડુંગળીના ભાવ ઊંચકાતા યાર્ડની આવકમાં પણ ધરખમ વધારો થયો
મહુવાના યાર્ડના ચેરમેન અને સેક્રેટરીના કહેવા મુજબ, આટલા મોટા પ્રમાણમાં આવેલા ડુંગળી યાર્ડના ઈતિહાસમાં પહેલી વખત આવી છે અને આ ડુંગળી ઉતારવા અમે 140 વીઘાં જમીન 2 જગ્યાએ ભાડે રાખી છે અને બધી ડુંગળી ઉતરી ગઈ છે. આટલા વધારે પડતા ડુંગળીની આવકનું મુખ્ય કારણ એ છે કે હાલમાં ડુંગળીના ભાવમાં તેજી છે અને ઊંચા આવતા આટલા મોટા પ્રમાણમાં આવક થઈ છે.