ભાવનગરઃ ગીરના જંગલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તંત્રને ડેમના 50 દરવાજા 2 ફૂટ 6 ઈંચ ખોલવાની ફરજ પડી છે. સોમવારે સાંજે જાહેર થયેલા બુલેટીન મુજબ ડેમમાં 18,500 કયૂસેક પાણીની આવક થઈ છે.
શેતલગંગા(શેત્રુંજી ડેમ-નદી) સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ ઓવરફ્લો થવાથી 2 વર્ષ માટે ભાવનગર શહેર તથા જિલ્લાને પિવાના પાણી તથા ખેતસિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. ડેમની ડાબા તથા જમણાં કાંઠાની નહેરો તથા પેટા કેનાલ મારફતે શિયાળુ-ઉનાળુ ખેત ઉત્પાદન માટે પાણી છોડવામાં આવે છે. જેના થકી અંદાજે ડેમથી 95 કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલી ઉજ્જડ વેરાન ભૂમિ પણ ભર ઉનાળે લીલી નાઘેર બની રહે છે.