ગત વર્ષના મગફળી વિવાદ બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે બીજા તબક્કાની મગફળીની ખરીદીનો પ્રારંભ થયો હતો. ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડમાં 12 જેટલા ખેડૂતો મગફળીને લઈને આવ્યા હતા. જેની સામે માત્ર 18 જેટલા ખેડૂતોને જ બોલાવવામાં આવ્યા હતા. ભાવનગર યાર્ડમાં ખરીદી શરુ થયા બાદ પણ ખેડૂતોએ ખરીદીની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા અંગે માગ કરી હતી.
મળતી માહિતી મુજબ જિલ્લાના દરેક કેન્દ્રમાં આશરે 50 ખેડૂતોને બોલવવામાં આવ્યા છે. પરંતુ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે શરૂ કરવામાં આવેલી ખરીદીમાં માત્ર 18 ખેડૂતોને જ બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 ખેડૂતો મગફળી લઈને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, મગફળીમાં બગાડ વ્યાપક પ્રમાણમાં થયો છે અને ખરીદી પણ મોડી શરુ થવાથી નુકસાન થવાની ભીતી છે. જેને લઇને ખેડૂતોએ માગ કરી કે, સરકાર વહેલી તકે ખરીદી કાર્ય પૂર્ણ કરે અને ખેડૂતોને તાત્કાલીક ધોરણે વળતર ચુકવી આપે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે બારદાન અને ઇન્ટરનેટ નહીં હોવાના કારણે ખરીદીમાં ખુબ સમય લાગ્યો હતો. જેથી ખેડૂતો આ વર્ષે ઝડપથી ખરીદીની પ્રક્રિયા કરવાની માગ કરી રહ્યા છે.