ભાવનગરઃ કલાનગરીમાં હીરાની ચમક શહેરની શાનમાં વધારો કરે છે, પરંતુ 2008થી આવેલી મંદીનો માર અને ત્યારબાદ હાલમાં લોકડાઉનનું પડેલું પાટુ છતાં હીરાનો વ્યવસાય ગરીબો માટે ચાંદના ચકોર જેવો છે. વર્ષે અબજો રૂપિયાનું ટર્ન ઓવર કરનારા ભાવનગરમાં આજે માત્ર કરોડો રૂપિયામાં ટર્ન ઓવર કરી રહ્યું છે. જો કે, કોરોના મહામારીને કારણે ભાવનગર છોડીને સુરત ભણી ગયેલા લોકો હવે પુનઃ ભાવનગર સ્થાપિત થવા લાગ્યા છે જેથી હીરાની ચમક આગામી વર્ષોમાં આવવાની આશા સેવાઇ રહી છે.
શહેર અને જિલ્લો સુરત પછીનું રાજ્યનું બીજા નંબરનું શહેર છે કે, જ્યાં હીરાનો વ્યવસાય થાય છે. 2008માં આવેલી મંદીમાં અનેક હીરાના મોટા વેપારીઓ સુરત જતા રહ્યા હતા. સુરત જવાને કારણે ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતા રત્નકલાકારોની રોજીરોટી પર મોટી અસર થઈ હતી. આશરે જિલ્લામાં 3 લાખ જેટલા રત્નકલાકારો પૈકી હાલ 1 લાખ જેટલા રત્નકલાકારો રોજીરોટી મેળવી રહ્યા છે.
લોકડાઉનના ત્રણ મહિના આર્થિક રીતે કાળા પાણીની સજા જેવા રહ્યા અને હવે અનલોકમાં માસ્ક પહેરીને પોતાની જિંદગીને પુનઃ થાળે પાડી રહ્યા છે. યુવતીઓ અને પુરુષોને આશા છે કે, હાલ પરિસ્થિતિ જે સર્જાય રહી છે તેને પગલે આગામી દિવસોમાં હીરાની ચમક પુનઃ આવશે અને લોકોને રોજગારી મળી રહેશે.
શહેરમાં હીરાની બજાર હાલ નરમ છે. હીરાની માગ જે હોવી જોઈએ તેવી નથી પણ વિશ્વમાં દરેક દેશમાં હાલાત સુધરશે એટલે પુનઃ હીરાની માગ વધશે તેમ હીરાના કારખાનેદારો માની રહ્યા છે. એક સમય હતો કે, આશરે શહેરની હીરા બજારનું મળીને વર્ષનું ટર્ન અવર અબજમાં હતું. જે આજે આશરે 10 હજાર કરોડ આસપાસ પહોચી ગયાનું અનુમાન લગાવવામાં આવે છે.
કોરોના મહામારીનો ફાયદો ભાવનગરને જરૂર થયો છે, કારણ કે સુરત ગયેલા કેટલાક શેઠિયાઓ અને કારખાનેદારો પુનઃ ભાવનગર પોતાના સાધન સામગ્રી સાથે પરત ફરી રહ્યા છે. જો સુરતથી ફરી અહીંયા ભાવનગર હીરાના વ્યવસાયકારો આવવા લાગે તો હજારો રત્નકલાકારોને રોજીરોટી મળશે અને ફરી હીરા બજારની ચમકની આશા ઉજાગર થશે તેવા સંકેતથી ભાવનગર નહી છોડનારા હીરાના વ્યવસાયકારો ખુશ છે.
જિલ્લામાં કામ કરતા હીરાના રત્નકલાકારોને મહીને 8થી લઈને 25 હજાર સુધીનું મહેનતાણું મળતું હતું. એટલું જ નહી તેજીના સમયમાં રોજના કેટલા હીરા વધુ તૈયાર કરી શકે તેની હરિફાઈ પણ કારખાનામાં લાગતી. રાત દિવસ કામ કરીને કેટલાય લોકોએ પોતાના બાળકોને અભ્યાસ કરાવ્યા છે, ત્યારે ભાંગી ગયેલા વ્યવસાય બાફ હવે પુનઃ હીરાની ચમક વાળા દિવસોના અણસાર મળતા હીરાની સાથે જોડાયેલા જિલ્લાના વ્યવસાયકારોમાં આનંદ છે.