આ તકે ભાવનગર જિલ્લામાંથી સંતો મહંતોનું પણ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 8 વર્ષથી અત્રે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ હિન્દુ સંસ્કૃતિનું સંક્ષિપ્ત વર્ણન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી તાજેતરમાં હટાવવામાં આવેલ કલમ ૩૭૦નો ઉલ્લેખ કર્યો હતો. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, દેશને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ જેવા નેતાઓનુ નેતૃત્વ મળ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. ભાવનગર શહેરના જવાહર મેદાનમાં છેલ્લા 65 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે.
આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જ્યારે ઉજવણીમાં ઉપસ્થિત નીતિન પટેલે જણાવ્યું હતું કે 'ભારત દેશમાં ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ થયો છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવ્ય દ્રષ્ટિના કારણે સંભવ થયું છે. વિજયાદશમીના પાવન પર્વ અન્વયે ભાવનગર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ મારા માટે ગર્વની વાત છે.' તેમજ દારુબંધી અંગે કહ્યું હતું કે દારૂબંધીના કારણે રાજયમાં સુખ-શાંતિ બરકરાર રહી છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દારુબંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.