ભાવનગર: શહેરમાં છેલ્લા 22 વર્ષથી શાસન કરતા ભાજપના રાજમાં ચોમાસામાં રસ્તાઓ ખખડધજ બની જાય છે અને ભાવનગર ખાડાનગરીમાં પરિણમી જાય છે. આ વર્ષના 100 ટકા વરસાદમાં રસ્તાઓની હાલત વાહન ચલાવવા જેવી રહી નથી ત્યારે મનપા હવે માટી નાખીને મામલને શાંત પાડવા મથી રહી છે. વિપક્ષના પ્રહારો વચ્ચે પ્રજા પણ શાસકોથી ત્રાસી ગઈ છે. જ્યારે આ મામલે સત્તાધીશો "સર્વે કર્યો છે અને રસ્તાઓ સારા થઈ જશે તેવી પીપુડી વગાડી રહ્યા છે".
ભાવનગર શહેરની વસ્તી 17 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી છે. હવે તેમાં નવા ગામ ભળ્યા બાદ વિસ્તારમાં વધારો થશે, ત્યારે શહેરમાં આવેલા મુખ્ય 5 થી 7 માર્ગોમાં દર ચોમાસામાં ખાડાઓ પડી જાય છે અને રસ્તાઓ તૂટી જાય છે. દર વર્ષે સમારકામમાં કરોડો રૂપિયાની ધૂળધાણી કરવામાં આવે છે તેમ છતાં પ્રજા હેરાનગતિનો ભોગ બને છે. આ અંગે વિપક્ષે શાસકપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, લાગતા વળગતાને ખીસ્સા ભરવા માટે કામ આપી દેવાય છે જેથી રસ્તાની ગુણવત્તા જળવાતી નથી. કોંગ્રેસ દ્વારા રસ્તાઓ ત્વરિત સરખા કરવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભાવનગર શહેરમાં રસ્તાઓ તૂટવાને કારણે એમ્બ્યુલન્સ સેવાને પણ ભારે હાલાકી ઉભી થાય છે. ભાવનગરના મુખ્ય 5થી 7 રસ્તાઓ અને ગલીકૂચીમાં આવેલા 200થી વધુ રસ્તાઓ છે, જેમાંથી 100 જેટલા રસ્તા તૂટી ચૂક્યા છે. ભાવનગર મનપા મોટાભાગે પાંચ વર્ષની જવાબદારી સાથે તગડી કિંમતથી રસ્તાઓ બનાવવા આપે છે ત્યારે રિપેરીંગના નામે ગત વર્ષે મનપા દ્વારા 7 રોડ પાછળ 1.10 કરોડ ખર્ચી નાખ્યા છે અને હવે નવા બીજા 69 રોડ 19.55 કરોડના ખર્ચે બનાવ્યા છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે મોટી કિંમતથી રોડનું કામ સોંપ્યા બાદ પણ રોડ તૂટે છે અને પાંચ વર્ષ બાદ મનપા તેની પાછળ થિગડા મારવા કરોડો ખર્ચે છે. સરવાળે લોકોના ટેક્સના પૈસાનું પાણી જ થતું જોવા મળે છે.
વિરોધપક્ષ આંદોલન કરવા સુધી પહોંચી ગયું છે પણ સત્તાધીશો એવા રોડ બનાવી શક્યા નથી કે જે તૂટે નહિ. શાસકોને પણ પ્રજાના પૈસાનું પાણી કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. તૂટેલા રસ્તાઓમાં ધૂળ નાખીને પૂરતી ભાવનગર મનપાને પાપે નગરજનો સજા ભોગવી રહ્યા છે.
- ભાવનગરથી ઈટીવી ભારત માટે ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ