- ઘોઘાના મોરચંદ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પરસોત્તમ સોલંકી અને સાંસદ રહ્યા ઉપસ્થિત
- ઘોઘાના 19 ગામો મળી જિલ્લાના 115 ગામના ખેડૂતોને યોજનાનો મળશે લાભ
ભાવનગર: જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પરસોતમ સોલંકી અને સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઘોઘાના 19 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળશે. ખેડૂતોના રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ત્રાસ, શિયાળાની ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીનો અંત આવશે. સાથે જિલ્લાના 41 ફીડરો માંથી 115 ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળશે.
આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
"દિવસે કામ રાત્રે વિશ્રામ"ની નેમ સાથે ભાવનગર જિલ્લાના 115 ગામને આજથી કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળીના લાભનો પ્રારંભ થયો છે. ભાવનગરના ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરસોત્તમ સોલંકી તથા સાંસદ ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ઘોઘા તાલુકાના 19 ગામોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવિષ્ટ કરી આજથી જ સવારે 5 થી 9 સુધી દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાવ્યો હતો.
"વાયદા નહિ પરંતુ ફાયદા" કરવા સરકાર કટિબદ્ધ છે: શિક્ષણ પ્રધાન
આ કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું સ્વાગત અને ત્યારબાદ પ્રધાન દ્વારા ડિજિટલ તકતી અનાવરણ કરી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જણાવ્યું કે હાલ 115 ગામોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબકકાવાર બીજા ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ તકે પ્રધાને સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે વર્ષ 2002થી 2020ના 18 વર્ષના સમયગાળામાં ભાજપ સરકારે 12,00,628 જેટલા વીજ જોડાણો આપ્યા છે. જે સરકારની કામકરવાની ગતિ અને સિદ્ધિનો પરિચય છે. "વાયદા નહિ પરંતુ ફાયદા" કરવા સરકાર કટિબદ્ધ છે. તેમ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.