- ભાવનગર મનપાની ચૂંટણી માટે ભાજપે વ્યૂહરચના ઘડી
- ભાવનગરમાં રાજ્ય પ્રધાન વિભાવરી દવેની હાજરીમાં યોજાઈ બેઠક
- ચૂંટણીમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા વગેરે બાબતો પર થઈ ચર્ચા
ભાવનગરઃ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશની યોજના મુજબ, આગામી મહાનગર સેવા સદનની ચૂંટણીઓને લઈ ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ અને કાર્ય રચનાની પ્રક્રિયા અંતર્ગત એક વ્યૂહાત્મક બેઠક શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના પ્રધાન અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય વિભાવરી દવે, મહાનગરના નવનિયુક્ત પ્રભારી ગિરીશ શાહ, હરૂ ગોંડલિયા, મહામંત્રી યોગેશ બદાણી, અરૂણ પટેલ, ડી. બી. ચુડાસમા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા. બેઠકમાં આગામી ચૂંટણીઓને લઈ વિવિધ વ્યવસ્થાત્મક અને વ્યૂહાત્મક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી અને પેઈજ કમિટીની કામગીરીનું મૂલ્યાંકન કરી માઇક્રોપ્લાનિંગ સાથેની કાર્યરચના હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી વિશે માહિતગાર કરાયા, કાર્યકર્તાઓને ખડેપગે ઊભા રહેવા સૂચના
સૌપ્રથમ ઉપસ્થિત કાર્યકર્તાઓને ચૂંટણીઓ અને વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપતા નવનિયુક્ત પ્રભારી હરૂ ગોંડલિયાએ ગુજરાત પ્રદેશની મહત્ત્વાકાંક્ષી યોજના પેઈજ કમિટીની રચના અંગેની વિસ્તૃત માહિતી કાર્યકર્તાઓ પાસેથી લીધી હતી. તેમણે પેઈજ કમિટીને આગામી ચૂંટણી જીતવા માટેનો મંત્ર બતાવતા ઝડપથી પેઈજ કમિટી પૂર્ણ કરવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. જ્યારે ગિરીશ શાહે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવારને ભવ્ય વિજય અપાવી શકે તેવા કાર્યકર્તાની ફોજ છે, જે આજથી જ મેદાનમાં ઊતરશે.
વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની મહેનત આપણા માટે પ્રેરણા દાયીઃ પ્રભારી
પ્રભારી હરૂ ગોંડલિયાએ કાર્યકર્તાને વિજય મંત્ર આપતા જણાવ્યું હતું કે, કઠોર પરિશ્રમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઓળખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા વગેરેએ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ કરેલા પરિશ્રમ એ તેનું ઉદાહરણ છે. તેઓ આ ઉંમરે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જાય છે ત્યારે ઈચ્છિત પરિણામ મળે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, મહાનગરનો કાર્યકર્તા પણ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જે અને એક નવો ઇતિહાસ બનાવે.
કાર્યકર્તાઓ જનતાના દિલમાં જગ્યા બનાવી તેમને રાષ્ટ્રીય વિચારધારામાં જોડેઃ પ્રધાન વિભાવરી દવે
અહીં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા રાજ્યપ્રધાન વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવ્યા છે ત્યારે કાર્યકર્તાઓ જન-જન અને ઘર ઘર સુધી પહોંચી જનતાના હૃદય સુધી પહોંચે જનતા જનાર્દનના દિલમાં જગ્યા બનાવી તેને રાષ્ટ્રીય વિચારધારામાં જોડી તેમને મતમાં પરિવર્તિત કરે.
તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશેઃ શહેર અધ્યક્ષ
શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કપરા સમયમાં ભાજપનો કાર્યકર્તા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની સેવામાં જોડાયો હતો. જનસેવાએ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે, જેને કાર્યકર્તાઓએ 5 વર્ષ દરમિયાન સુપેરે નિભાવ્યો છે ત્યારે કોંગ્રેસના લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતા વચ્ચે દેખાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે રહેનારો અને લોકોની વચ્ચે જીવનારો કાર્યકર્તા છે અને આજના સમયમાં લોકોની વચ્ચે રહેનારા લોકોને જ જનતા જનનાયકના રૂપમાં સ્વીકાર કરે છે. મહાનગરની ચૂંટણીઓમાં તમામ 52 બેઠકો જીતવાના સંકલ્પ સાથે પાર્ટી ચૂંટણીના રણ મેદાનમાં ઉતારવા જઈ રહી છે ત્યારે કાર્યકર્તા સારથી બની પોતાના વિસ્તારમાં રથને વિજય તરફ દોરી જાય.