- કોરોના કાળમાં ભાજપે સેવા કાર્ય હાથ ધર્યા
- હોમ આઇસોલેશન માટે ટિફિન વ્યવસ્થા થઇ શરૂ
- ઉકાળો અને દર્દીના સગા માટે આરામ કરવામાં આવી વ્યવસ્થા
ભાવનગર: શહેર ભાજપ દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે સેવા કાર્યો શરૂ કર્યા છે. દર્દીના સગા માટે આરામ કરવાની વ્યવસ્થા, હોમ આઇસોલેશન માટે ટિફીન સેવાઓ શરૂ કરવામાં આવી છે તો શુક્રવારથી ઉકાળા કેન્દ્રનો પણ આરંભ કરવામાં આવ્યો છે. ટિફીન સેવા રૂપે શહેરના 350થી વધુ ઘરમાં સેવા આપવામાં આવી રહી છે
દર્દીના સગા માટે નાંખવામાં આવ્યો મંડપ
સર.ટી હોસ્પિટલ સામે આવેલા ભાજપ કાર્યાલય બહાર મંડપ નાંખીને આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સંબંધીઓ માટે સુવા, બેસવાની, પંખા તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો દર્દીના સગાઓ દ્વારા લાભ લઈ રહ્યાં છે. આગામી સમયમાં દર્દીઓના સગા માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
વધુ વાંચો: બારડોલી શહેર અને તાલુકાના 7 ગામ તેમજ મહુવાના 6 ગામમાં વિકેન્ડ લોકડાઉન
50 સ્થળો પર ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં દિહોર ગામના વૈદ્ય અને આયુર્વેદ ક્ષેત્રે ખૂબ મોટુ નામ ધરાવતા મહેન્દ્રસિંહ સરવૈયાની ફોર્મ્યુલા મુજબ ગળો, તુલસી, સૂંઠ જેવી વિવિધ ઔષધીઓ મેળવીને બનાવવામાં આવતો ઉકાળો કોરોના જેવા રોગો સામે રક્ષણ મેળવવા સહાયરૂપ થાય છે. ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા શુક્રવારથી 10 દિવસ સુધી શહેરના 50 જેટલા સ્થળે આવા આરોગ્યવર્ધક ઉકાળા વિતરિત કરશે. શિવાજી સર્કલ, પાણીની ટાંકી, નિલમબાગ સર્કલ જેવા 50 જેટલા વિવિધ સ્થળોએ સવારે 7 થી 9 વાગ્યા સુધી આ આરોગ્યવર્ધક ઉકાળાનો લાભ લેવા લોકોને વિનંતી કરવામાં આવી છે.
વધુ વાંચો: સુરતમાં આંગડીયા પેઢીએ 10 દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો
350 હોમ આઇસોલેશન દર્દીને ઘરે પહોંચાડવામાં આવે છે ટિફિન
ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે કોરોના સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. જેમાં શહેર ભાજપ સંગઠન ટિફિન સેવા પણ શરૂ કરાઇ છે જેમાં જે લોકો પોતાના ઘરમાં પોઝિટિવ આવ્યા હોય અને ઘરની બહાર નીકળી શકતા નથી તેવા લોકો માટે ભાવનગર શહેરના 13 વોર્ડમાંથી ટિફિન સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ 350થી વધુ પરિવારો લઈ રહ્યાં છે.