- અલંગમાં 38 વર્ષ બાદ પ્રથમ વખત લેડી કેપ્ટન જહાજ લઈને આવી
- લેડી કેપ્ટન અલંગના પ્લોટ નંબર 63માં ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્ટસેન જહાજ લઈને આવી
- 25553 મેટ્રિક ટન ઓઇલ ટેન્કર જહાજ લઈ અલંગ આવી પહોંચી
- સ્વીડનની મહિલા કેપ્ટન સોફીયા લુન્ડમાર્ક જહાજ લઇને અલંગ આવી
ભાવનગર: અલંગ શિપ બ્રેકિંગની સ્થાપનાના 38 વર્ષ બાદ પ્રથમ વખત એક મહિલા કેપ્ટન અહીં આવી છે. 25553 મેટ્રિક ટનના ઓઇલ ટેન્કર શીપ સેલી કુન્ટસેનને લઇને સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્ક આવી છે. જહાજમાં ભાગ્યે જ લેડી કેપ્ટન જોવા મળે છે, તે પૈકીની સોફિયા અલંગ આવી છે.
38 વર્ષમાં પહેલી વખત મહિલા કેપ્ટન જહાજ લઈ અલંગ પહોંચી
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની સ્થાપના વર્ષ 1983માં થઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધીમાં 38 વર્ષમાં 8351 જહાજ ભાંગવા માટે અહીં આવી ચૂક્યા છે. અત્યાર સુધીના સમયગાળા દરમિયાન પ્રથમ વખત કોઇ મહિલા કેપ્ટન જહાજ લઇને અલંગ શિપયાર્ડ ખાતે આવી પહોંચી છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં. 63માં 9 સપ્ટેમ્બરના રાત્રીના સુમારે બીચ થયેલા 25553 મેટ્રિક ટનના ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્ટસેનને લઇને પહોંચનાર સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્ક પહેલી મહિલા છે.
જહાજમાં કેપ્ટન તરીકે પોતે છેલ્લા 22 વર્ષથી સંકળાયેલા છે
અલંગ ખાતે જહાજ લઈને આવેલી સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્કે જણાવ્યું હતું કે જહાજમાં કેપ્ટન તરીકે પોતે છેલ્લા 22 વર્ષથી છે. તેઓએ પોતાની દરિયાઈ સફર દરમિયાન અનેક નાનામોટા તોફાનો, દરિયાઈ પાણીના કરંટનો સામનો કર્યો છે, પરંતુ અલંગના દરિયા જેવો કરંટ સમગ્ર વિશ્વમાં ક્યાંય અનુભવાયો નથી. તેમણે જણાવ્યું કે અલંગનો સમુદ્ર એટલો કરંટ ધરાવે છે કે અહીં જહાજનું એન્કર નાંખવું અને તેને પુન: ઉપાડવું પણ જોખમી સાબિત થઇ રહ્યું હતું. જહાજનાં બીચિંગ સમયે 24 કલાક જહાજના બ્રિજ રૂમમાંથી દેખરેખ રાખવી પડતી હોય છે. અલંગમાં બહાર પાણીએ જહાજ લઇને પહોંચી ત્યારે હું થોડી મુંઝવણમાં હતી.
વિશ્વના જહાજોમાં ફક્ત 2 ટકા જ લેડી કેપ્ટન
જહાજને લોડિંગ-અનલોડિંગ માટે લઇ જવાનો સોફિયા લૂન્ડમાર્કને ગહન અનુભવ છે, પરંતુ જહાજને દરિયાકાંઠે લઇ બીચિંગનો આ તેમનો પ્રથમ અનુભવ હતો. વધુમાં તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વના જહાજો પૈકી માત્ર 2 ટકા જહાજોમાં લેડી કેપ્ટન છે, જો કે હવે મહિલાઓ કેપ્ટન બનવા તરફ આગળ આવી રહી છે. સોફિયાના મતે, જહાજના કેપ્ટન બનવા માટે ધેર્ય શક્તિ તેમજ આત્મબળ દરિયાઈ મુશ્કેલી સામે ખુબ જ મજબુત હોવું જરૂરી છે. જો એક કેપ્ટનનું આત્મબળ મજબુત હોય તેમજ દરિયાઈ સફર પર જહાજ પરના ક્રુ મેમ્બરની ટીમ મજબુત હશે તો સફરમાં પડતી મુશ્કેલીનો સામનો કરી જહાજને કન્ટ્રોલ કરી શકાય છે. ભાવનગર જીલ્લ્લાના અલંગ ખાતે અત્યાર સુધીમાં 8351 જહાજ ભાંગવા માટે આવી ચૂક્યા છે. જહાજમાં ભાગ્યે જ લેડી કેપ્ટન જોવા મળે છે, તે પૈકી 38 વર્ષ બાદ અલંગ ખાતે પહોચેલ પહેલી એવી મહિલા કેપ્ટન સોફિયા છે.
વધુ વાંચો: 54 વર્ષ જૂના 'એમ્યુઝમેન્ટ વર્લ્ડ' ભાવનગર અલંગ પહોચ્યું
વધુ વાંચો: ભાવનગરમાં અલંગમાં 10 માળનું વૈભવી ક્રૂઝ જહાજ ભંગાણ માટે આવ્યું