ભાવનગર: સ્વચ્છતાના નામે પ્રજા પાસે વિવિધ પ્રકારના ટેક્સ ઉઘરાવી પૈસાનો ધૂમાડો કરતી ભાવનગર મનપાને ડંપિંગ સાઇટ પરથી કચરાના નિકાલ માટે કોઈ વિકલ્પ મળતો નથી. ભાવનગરના કુંભારવાડાની ડંપિંગ સાઈટમાં 5 લાખ ટન કચરો જમા થયો છે. જેના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.
ભાવનગર શહેરની 10 લાખની વસ્તી વચ્ચે રોજનો 200 ટન કચરો નીકળતો હોય છે જે શહેરના છેવાડે આવેલી ડંપિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે.
ભાવનગર કે ઢગનગર:
મનપાની ઘોર બેદરકારીને પગલે આ શહેરને ભાવનગર કહેવું કે ઢગનગર તે એક સવાલ છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ડમ્પિંગ સાઈટ પર આવતી કંપનીઓ કાર્બન ક્રેડીટ લેવા મનપાના કરોડોના પૈસા વેડફે છે અને પછી ઉઠી જાય છે. જેથી કચરો ઠેરનો ઠેર રહે છે અને તેના ડુંગર ખડકાતા જાય છે.
વેટલેન્ડ પર ઉભી કરી ડંપિંગ સાઈટ:
ભાવનગરના છેવાડે આવેલી ડમ્પિંગ સાઈટ પર રોજનો 200 ટન કચરો ઠાલવવામાં આવે છે. એટલે વર્ષે 72 હજાર ટન થાય છે. જે જગ્યાએ કચરો ઉભો કરવામાં આવ્યો છે તે એક વેટલેન્ડ છે કે જ્યાં દેશ વિદેશથી પક્ષીઓ શિયાળામાં આવતા હોય છે. આ પક્ષીઓ જો પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાના સંપર્કમાં આવે તો તે ખૂબ જ જોખમરૂપ બની શકે છે.
ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે સમગ્ર મામલે શાસક પક્ષની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. તો બીજી તરફ મેયર મનહર મોરીએ નિકાલની કામગીરી ચાલી રહી હોવાનું જણાવી મશીન મંગાવ્યા છે અને કામ ઝડપથી પૂરું કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી.