- મહાનગરપાલિકાના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
- ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 493 ઉમેદવારી નોંધાઈ
- 1,114 ફોર્મ ઉપાડવામાં આવ્યાં હતાં
ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠક માટે 493 ફોર્મ ભરાયાં છે. ઉલ્લેખનીય છે કે આજે શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. નગરપાલિકા માટે 493 ફોર્મ ભરાંયાં છે, જ્યારે કુલ 1,114 ફોર્મ ઉપડ્યા હતા. હજુ પણ ફોર્મ પરત ખેંચવાની અને ચકાસણીની તારીખ બાકી છે એટલે સાચી માહિતી 9 ફેબ્રુઆરી જાણવા મળશે
ભાવનગરમાં કેટલા ફોર્મ ઉપડ્યા અને કેટલા ભરાયાં?
ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં દાવેદારી કરવા માટે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષ મળીને છેલ્લા દિવસે પણ ફોર્મ ભરતા નજરે પડ્યા છે, ત્યારે ભાવનગરમાં ચાર સ્થળો પર ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોઈએ તો ઉપડેલા કુલ ફોર્મ 1,114 હતા અને તેની સામે છેલ્લા દિવસે પરત આવેલા ફોર્મ 493 થાય છે. હવે પરત ખેંચવા માટે છેલ્લી તારીખ 9 છે અને ફોર્મ ચકાસણીની તારીખ 8 છે.
ભાવનગરમાં કયા વોર્ડમાં કેટલા ફોર્મ ભરાયાં?
ક્રમ | વોર્ડ નામ | કુલ ભરાયેલા ફોર્મ |
1 | ચિત્રા ફુલસર | 49 |
2 | કુંભારવાડા | 49 |
3 | વડવા બ | 40 |
4 | કરચલિયા પરા | 44 |
5 | ઉત્તર કૃષ્ણનગર | 38 |
6 | પીરછલ્લા | 33 |
7 | તખ્તેશ્વર | 36 |
8 | વડવા અ | 34 |
9 | બોરતળાવ | 38 |
10 | કાળિયાબીડ સીદસર | 42 |
11 | દક્ષિણ સરદારનગર | 31 |
12 | ઉત્તર સરદારનગર | 29 |
13 | ઘોઘાસર્કલ | 30 |
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ
ભાવનગરમાં ભાજપ દ્વારા 52 બેઠક પર દરેક ઉમેદવારો મૂકી દેવામાં આવ્યા છે અને ફોર્મ પણ ભરી દેવામાં આવ્યા છે. આ જ રીતે કોંગ્રેસે પણ પોતાના 52 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 39 ઉમેદવારને ફોર્મ ભરાવ્યાં છે. એટલે કે કુલ આંકડો 143 આસપાસ રહે છે. એવામાં ડમી ઉમેદવારો પણ હોવાથી ફોર્મ ચકાસણી અથવા ફોર્મ પરત ખેંચવાના સમયે બાદબાકી થશે. એટલે કે આ આંકડો 493ની નીચે આવી શકે છે.