ભાવનગર: ભાવનગર શહેરમાં વધતા જતા કોરોના કેસને પગલે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના અંતર્ગત દુકાનો પર ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ છે. સોશીયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવા જેવા નિયમો ન પાળનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર શહેરમાં મનપાની ટીમે શહેરના પોશ વિસ્તાર એટલે બિઝનેસ સેન્ટર અને મુખ્ય બજારમાં તપાસ હાથ ધરી હતી. બિઝનેસ સેન્ટરમાં એક દુકાન પર સાત જેટલા લોકો એકઠા થયા હતા અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન પણ થયું ન હતું. જેને પગલે ચેકીંગમાં નીકળેલી ટીમ દ્વારા એવી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યવાહીને પગલે વેપારી જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. મનાઇ કરવા છતા પણ જો ભીડ ભેગી થાય તો તેમાં અમારો શું વાંક એમ કહી તેઓ તંત્રને કમાણી બંધ કરાવવા અંગે દોષ આપી રહ્યા છે.
ભાવનગરમાં દરેક દુકાનોને આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે પાલન ન થતા અંતે તંત્ર દ્વારા દુકાનોને કડક ભાષામાં સમજાવવાની ફરજ પડી છે. શુક્રવારે ચાર દુકાનોને લાગેલા સીલ બાદ અન્ય વેપારીઓ પણ આ અંગે જાગૃત થાય તે જરૂરી છે.