- શહેરમાં ચિકનગુનિયા - 0, ડેન્ગ્યુ - 76 કેસ, મેલેરિયા 8 મહિનામાં 6 કેસ
- શહેરમાં ઓગસ્ટમાં અધધધ 39 કેસ ડેન્ગ્યુના સામે આવતા તંત્ર કામે લાગ્યું
- જિલ્લામાં ચિકનગુનિયા - 2 કેસ, ડેન્ગ્યુ - 18 કેસ અને મેલેરિયા - 44 કેસ સામે આવ્યા
- શહેર અને જિલ્લામાં ટીમો બનાવી અર્બન વિભાગે ફોગીંગ, પોરાનાશક દવા નાખવાનો પ્રારંભ કર્યો
ભાવનગર: શહેરમાં ચોમાસાની સીઝનમાં તાવના વાયરા વચ્ચે સામાન્ય તાવ અને ડેંગ્યુએ માથું ઊંચક્યું છે, જ્યારે જિલ્લામાં ચિકનગુનિયા, મેલેરીયા અને ડેન્ગ્યુના કેસો સામે આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગામેગામ અને શહેરમાં ગલીએ ગલીએ અર્બન વિભાગ દવા છંટકાવ અને પોરાનાશક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યું છે. હૉસ્પિટલમાં પણ દર્દીઓની કાળજી લેવામાં આવી રહી છે
ભાવનગર શહેરમાં શું સ્થિતિ? મહાનગરપાલિકા એક્શનમાં
ભાવનગર શહેરની આશરે 7 લાખથી વધુની વસ્તીમાં શહેરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયાની દહેશત છે ત્યારે ભાવનગરમાં ચિકનગુનિયા અને મેલેરીયાના કેસો સામે નથી આવ્યા. ચિકનગુનિયાનો એકેય કેસ એક વર્ષમાં નથી. છેલ્લા આઠ મહિનામાં મેલેરીયાના માત્ર 6 કેસ નોંધાયેલા છે, જ્યારે ડેંગ્યુની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુ ક્યાંક હાવી થઈ ગયો છે. ઓગસ્ટમાં ડેન્ગ્યુના 39 કેસ સામે આવ્યા હતા. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 37 કેસ જ હતા. એટલે કે છ મહિના જેટલા કેસ સીધા એક મહિનામાં આવતા મહાનગરપાલિકાએ અર્બન વિભાગને કામે લગાડી દીધી છે. આમ શહેરમાં ચિકનગુનિયા - 0 , મેલેરિયા - 6 કેસ આઠ મહિનામાં અને ડેન્ગ્યુના કુલ જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં 76 કેસ નોંધાયેલા છે.
જિલ્લામાં શું સ્થિતિ?
ભાવનગર જિલ્લાની આશરે 14 લાખની વસ્તી અને આશરે 900થી વધુ ગામડાઓ છે, ત્યારે 10 તાલુકામાં ચિકનગુનિયાના -2 કેસ , ડેન્ગ્યુ - 18 કેસ અને મેલેરિયાના 44 કેસ સામે આવ્યા છે. જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ કેસો સામે આવતાની સાથે એક્શનમાં આવી ગયું છે. જિલ્લામાં પરિસ્થિતિને લઈને ફોગીંગ કરવામાં આવી રહ્યું છે અને ઘરે ઘરે, શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ પોરાનાશક દવાઓ નાંખી રહ્યું છે. તાલુકા કક્ષાએ ટીમો બનાવવામાં આવી છે જેથી કરીને જલદી ઉચિત પગલાં લઈ શકાય.
વધુ વાંચો: રાજ્યમાં વરસાદના પ્રથમ ચરણ બાદ રોગચાળો ફાટ્યો, મેલેરિયાના 1494 અને ડેન્ગ્યુના 510 કેસો સામે આવ્યાં