અમદાવાદઃ આજે 5 જૂન એટલે 'વિશ્વ પર્યાવરણ દિવસ'. આ દિવસ ઊજવવાની શરૂઆત યુનાઇટેડ નેશન્સ દ્વારા 1974થી કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના લોકોની અંદર પર્યાવરણીય પ્રદુષણ અને તેની સાચવાણીને લઈને જાગૃતિ ફેલાવવાનો છે.
પરંતુ માણસ પોતાના રોજીંદા કાર્યોમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે જેના થકી તેનું અસ્તિત્વ છે તે પર્યાવરણને તે ભુલી ગયા છે. પર્યાવરણીય બદલાવને લઈને વિશ્વના અનેક દેશોએ કોન્ફરન્સ અને સમીટનું આયોજન કરતા હોય છે. સમિટમાં પ્રદૂષણને રોકવા નિર્ણય પણ લેવાયો છે, પરંતુ તેમ છતાંય પર્યાવરણ બગડતું રહ્યું છે. તેનું મુખ્ય કારણ માણસની અમર્યાદિત જરૂરિયાતો છે. તાજેતરમાં ફેલાયેલ કોરોનાવાઈરસ, તીડના આક્રમણ, ચક્રવાત વગેરે પણ માનવની કુદરતમાં વધારે પડતી ખલેલનું જ પરિણામ છે. પર્યાવરણવિદો આ સમસ્યાને લઈને ખૂબ જ ચિંતિત છે. ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું હતું તેમ, જરૂરિયાતની અને ખપ પૂરતી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ તો ચોક્કસ જ આપણે પર્યાવરણીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીશું.
આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે સંકલ્પ લઈએ કે, આપણા કાર્યોથી નાના જીવજંતુથી માંડીને, વૃક્ષો, જંગલો, જંગલી પ્રાણીઓ કે પછી પર્યાવરણના કોઈપણ ભાગને નુકશાન ન પહોંચે તેની કાળજી રાખીશું.