- અમદાવાદમાં મહિલાઓ પર અત્યાચારના વધી રહેલા બનાવો
- નવી હૉસ્પીટલ શરૂ કરવા માટે પરિણિતા પાસે રૂ. 50 લાખ માંગ્યા
- એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરના એલિસબ્રિજ ખાતે રહેતી એક મહિલાએ પોતાના ડૉકટર પતિ અને સાસુ-સસરા તથા નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ સાસરિયા અને પતિ દ્વારા પરિણિતાને ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાના પતિ લગ્ન બાદ મેડિકલ અભ્યાસ માટે ઉદેપુર રહેતા હતા જ્યારે મહિલા પોતાના સાસરે સેટેલાઇટ ખાતે રહેતી હતી. સાસરિયાઓએ મહિલા પાસે 25 તોલા સોનાના દાગીનાની માગણી કરી હતી જે મહિલાએ પૂરી પણ કરી હતી તેમ છતાં અવારનવાર મહિલાને ઘરની બહાર રહેવું પડતું, મહેણ-ટોણા સાંભળવા પડતા હતા.
માગ પૂરી ન થતા મહિલાના પિતાને બોલાવી પિયર રવાના કરી દીધા
પતિએ ડોક્ટરનો અભ્યાસ પૂરો કર્યા બાદ સાસરિયાં અને પતિ દ્વારા નવી હોસ્પિટલ શરૂ કરવા માટે રૂ. 50 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી જે ન આપતા મહિલાના પિતાને બોલાવવામાં આવ્યા હતા અને તેમને તેમના પિતા સાથે પિયરમાં મોકલી દીધા હતા. સમગ્ર મામલે મહિલાએ પોતાનાં ડોકટર પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.