- રથયાત્રાની જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
- સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરએ ભગવાન જગન્નાથજીનું મોસાળ છે
- રથયાત્રામાં જોડાનારે આરટી પીસીઆર રીપોર્ટ કરાવવો ફરજિયાત છે
અમદાવાદ- રથયાત્રાને હવે માંડ 15 દિવસ બાકી રહ્યા છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં પરંપરાગત રીતે જળયાત્રા રંગેચંગે સપન્ન થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી મામાને ઘેર મોસાળ ગયા છે. જગન્નાથ મંદિરથી અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે કે નહી?
આ પણ વાંચો - Jagannath Rathyatra : જુઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વિશેષ ઝાંખી
જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓનો આરંભ
જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરનું રંગરોગાન થઈ ગયું છે. રથનું સમારકામ શરૂ થયું છે. ભગવાનના વાઘા બનવાનું શરૂ થયું છે. સરસપુરમાં આવેલા રણછોડજી મંદિર ભગવાન જગન્નાથજીનું મોસાળ છે, આ મોસાળમાં ભગવાનનું મામેરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રથ યાત્રિકોને જમાડવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. મંદિરના મહંત અને ટ્રસ્ટી કહી રહ્યા છે કે, ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર પરવાનગી આપશે તે પ્રમાણે અમે કરીશું. ટૂંકમાં રથયાત્રા નીકળવાની છે, તે રીતની મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે.
આ પણ વાંચો - કોરોના કાળમાં ભગવાનનું મોસાળુ ફિક્કું પડ્યુ
ગુજરાત પોલીસે એક્શન પ્લાન જાહેર કર્યો
ગુજરાત પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. પુરીની જેમ કરફ્યૂ નાંખીને રથયાત્રાને પરંપરાગત રૂટ પરથી પસાર કરી દેવી. ભકતો ટીવી પર લાઈવ ભગવાનના દર્શન કરશે. માત્ર 50 કે 100 લોકોની હાજરીમાં જ રથયાત્રા નીકળે. રથયાત્રામાં જોડાનારે RT-PCR રીપોર્ટ કરાવવો ફરજિયાત છે. જેનો રીપોર્ટ નેગેટિવ હશે તે જ રથયાત્રામાં જોડાઈ શકશે. અન્ય રાજ્યોના સાધુ સંતોને આમંત્રણ નહી આપવાનું. ગુજરાત સરકાર આ અંગે શું વિચારે છે અને શું નિર્ણય કરે છે, તેના પર સૌની મીટ છે.
આ પણ વાંચો - Rath Yatra 2021 : જગન્નાથના આ ભક્તોને ભગવાન પણ નહીં બચાવી શકે...
ગયા વર્ષે સરકારે છેક છેલ્લી ઘડી સુધી નિર્ણય લીધો ન હતો
ગયા વર્ષની વાત કરીએ તો ગુજરાત સરકારે રથયાત્રા અંગે છેક છેલ્લી ઘડી સુધી કોઈ નિર્ણય ન કર્યો અને છેલ્લે બોલ કોર્ટમાં નાંખી દીધો. કોર્ટની પરવાનગી અનુસાર ભગવાનને રથમાં બિરાજમાન કરાવ્યા અને રથ મંદિરમાં જ ગોળ ફેરવીને આખો દિવસ મંદિર પરિસરમાં જ રહ્યા. આખો દિવસ ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરમાં જ આવ્યા હતા અને રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કર્યા હતા. ગયા વર્ષે ભક્તો અને મંદિર છેક છેલ્લી ઘડી સુધી અસમંસજસમાં રહ્યા હતા કે, રથયાત્રા નીકળશે કે નહી નીકળે. અષાઢી બીજના આગલા દિવસે મોડી રાત્રે સ્પેશ્યિલ કોર્ટ મળીને રાત્રે 1.30 વાગ્યા આસપાસ ચૂકાદો આપ્યો હતો.
આ પણ વાંચો - Rath yatra 2021: રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે- લક્ષ્મણદાસ
27 જૂનથી ગુજરાત 98 ટકા ખૂલી જશે
આ વર્ષે ગુજરાત સરકાર પાસે ઘણો સમય છે. રથાત્રા કાઢવી કે ન કાઢવી જે અંગે સ્પષ્ટ નિર્ણય જાહેર કરે. જો કે હાલની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે. બીજી લહેર સમાપ્ત થવા આવી છે. 27 જુલાઈથી 98 ટકા ગુજરાત ખૂલી રહ્યું છે. કોરોનાનો રાત્રિ કરફ્યૂ 10 વાગ્યાથી સવારે 6 વાગ્યાનો છે. સિનેમા, થિયેટર 50 ટકા ક્ષમતા સાથે ખૂલશે. ધંધા, રોજગાર 9 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. હોટલ, રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે 9 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે. આ સિવાય બાકી બધુ ખૂલ્લું જ છે. ગુજરાતના તમામ મંદિરો ખૂલી ગયા છે, જેથી એવો તર્ક અપાઈ રહ્યો છે કે, બધુ ખૂલી ગયું છે તો હવે રથયાત્રા કેમ ન નીકળી શકે.
આ પણ વાંચો - રથયાત્રાનું આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ: IB
કોરોનાના કારણે સ્વાસ્થ્યની કાળજી લેવાવી જોઈએ
ગુજરાત સરકારે ગયા વર્ષની જેમ છેક છેલ્લી ઘડી સુધી રથયાત્રા અંગે નિર્ણય ન લીધો તેવું આ વખતે ન કરે તો સારુ. સરકારે પોતાનો મત વ્યક્ત કરી દેવો જોઈએ, અથવા તો કોઈ એક્શન પ્લાન જાહેર કરી દેવો જોઈએ કે આ રીતે રથયાત્રા કાઢવી હશે તો મંજૂરી આપીશું. દર વર્ષે કોર્ટના સહારે નિર્ણય ન લેવો જોઈએ. પ્રજા પણ ઝંખી રહી છે સરકાર ઝડપથી નિર્ણય લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરે. રથયાત્રાએ હિન્દુઓની ભાવના સાથે જોડાયેલો તહેવાર છે સાથે કોરોનાના કારણે સ્વાસ્થ્યની કાળજી પણ લેવાવી જોઈએ, તે પણ સ્પષ્ટ બાબત છે.
આમ આદમી પાર્ટીએ રથયાત્રા અંગે આપ્યું પોતાનું મંતવ્ય
રથયાત્રાને લઈ આમ આદમી પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ તુલી બેનર્જી સાથે ETV BHARATની ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે, રથયાત્રા જગતના નાથ જગન્નાથજીની છે. ભગવાન સાથે દેશ અને વિદેશના તમામ લોકોની આસ્થા અને વિશ્વાસ જોડાયેલો છે, ત્યારે સરકાર મગની નામ મરી નથી કરી રહી જેનો અર્થ થાય કે ભક્તોની આસ્થા સાથે જોડાયેલી રથયાત્રાને લઈ સરકાર શા માટે કોઈ નિર્ણય ન કરી શકે? સરકાર દ્વારા નિર્ણય કરવો હોય તો તમામ પ્રકારે કરી શકાય છે. રથયાત્રાના દિવસે જનતા કરફ્યૂ કરી દેવામાં આવે રથયાત્રા જે પણ રૂટ પર નીકળે તે રુટ પર અગાઉની રાત્રિથી જ પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવે રથની બન્ને સાઈડ પોલીસ કોર્ડન કરી રથની આગળ અને પાછળ બન્ને જગ્યાએ પોલીસ વાન રહેલી હોય દરેક રથની આગળ એક લાઈવ ટેલિકાસ્ટ કરી શકે તે પ્રકારે વાહન ગોઠવવામાં આવે જેથી ભક્તો ઘરે બેઠા નગરના દેવના દર્શન કરી શકે છે.
ઇષ્ટ દેવ પણ લોકોને નગર યાત્રા કરી સુખાકારી અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી શ્રદ્ધા
આમ આદમી પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ તુલી બેનર્જીએ જણાવ્યું કે જગતના જે દેવ છે પોતાના નગરમાં જ્યારે નીકળે ત્યારે તેમને પણ ખબર પડે નગરની શું પરિસ્થિતિ રહેલી છે. કોરોના મહામારી લોકો કેટલા હેરાન પરેશાન છે. તો ઇષ્ટ દેવ પણ લોકોને નગર યાત્રા કરી સુખાકારી અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી શ્રદ્ધા રહેલી છે. જેથી સરકારે SOP બનાવી રથયાત્રાને મંજૂરી આપવી જ જોઈએ તેવું સામન્ય નાગરિકોની પાર્ટી તરીકે ઓળખાતી આમ આદમી પાર્ટી તરીકે મારું કહેવું છે.
- ભરત પંચાલ અને પાર્થ શાહનો વિશેષ અહેવાલ