- વનવિભાગના એક કેસમાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી
- સરકારી તંત્ર તરફથી જવાબ ન આવતા કોર્ટ નારાજ
- સરકારી અધિરારીને ફટકારવામાં આવ્યો દંડ
અમદાવાદ: વર્ષ 2019 માં શીવુબેન વસાણીએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાના રોજગારને લઈ વનવિભાગ સામે અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન એડવોકેટ ની રજૂઆત દરમિયાન જુદા-જુદા વિષયો ઉપર ચર્ચા થઈ હતી. આ સામે જવાબ રજૂ કરવા માટે વનવિભાગે કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો પરંતુ હાઈકોર્ટે પાંચ વખત આદેશ આપ્યા છતાં વિભાગ તરફથી કોઈ જવાબ રજૂ ન કરાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
સરકારી અધિકારી કોર્ટના આદેશને ડસ્ટબીનમાં ફેંકી દે છે- કોર્ટ
ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ એ.એસ.સુપેહિયા આ મામલે સુનાવણી કરી રહ્યા હતા, ફરીવાર સરકારી વિભાગના અધિકારી દ્વારા કોઈ જવાબ રજૂ ન કરવામાં આવતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નોડલ ઓફિસરને રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવે. તેમજ જો તેઓ આગામી સમયમાં નોટિસનો જવાબ રજુ ન કરે તો નોન બેલેબલ વોરંટ ઈસ્યુ કરવામાં આવશે. વધુમાં કોર્ટે સરકારી અધિકારીની વિરુદ્ધ ટીપ્પણી કરી હતી કે કોર્ટના સિંગલ લાઈન ઓર્ડરનું સન્માન કરવું જોઈએ. મને લાગે છે કે તેઓ તેને માત્ર ડસ્ટબિનમાં ફેંકી દે છે. તમે કોર્ટના આદેશને આમ અવગણી શકતા નથી. આ કારણે કોર્ટનો સમય પણ બગડે છે.
આ પણ વાંચો: ISRO નવી સિદ્ધિ મેળવવા તૈયાર, ગુરૂવારે સવારે 5.43 વાગ્યે EOS-03 મિશનને કરાશે લોન્ચ
સરકારી અધિકારીને પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો
કોર્ટમાં સરકારી વન અધિકારીની બેદરકારી જણાતા કોર્ટે તેમની સામે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે સંબંધિત વિભાગના અધિકારીઓની ફરજ છે કે તે કેસની તપાસ કરે અને આ સામે કોર્ટમાં જવાબ પણ રજુ કરે. વધુમાં મદદનીશ સરકારી વકીલને તેના ઘરે જઈને તેમને જવાબ દાખલ કરવા માટે તેમજ જરૂરી કામ કરવા માટે કહે તેવું આંકલન ન કરી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે ફાઇલને ટ્રેક કરવાની અધિકારીને ફરજ છે . તેઓએ જવાબ દાખલ કરવા માટે પાંચ વખત સમય માંગ્યો હોવાથી છ વખત મામલો સ્થગિત કરવામાં આવ્યો છે. ફાઇલ સાથે કામ કરતા આવા અધિકારી રાજ્યને નુકસાન કરે છે.
આ પણ વાંચો: OBC સૌથી મોટી વોટબેન્ક, હવે રાજ્યો જ્ઞાતિ આધારિત સમીકરણો સેટ કરશે