- આજ સવારથી નક્કી હતું વિજય રૂપાણીનું રાજીનામુ
- સરદાર ધામના કાર્યક્રમમાં વિજય રૂપાણી હતા ગુમશુમ
- કર્ણાવતી યુનિવર્સિટી કાર્યક્રમમાં સ્પીચ ટૂંકાવીને ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાગ્યા
- ગુજરાત યુનિવર્સિટીમાં જલ્દી કાર્યક્રમ પૂરો કરીને પ્રદીપસિંહ જાડેજા ભાગ્યા
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન પદ પરથી વિજય રૂપાણીએ બપોરે ત્રણ કલાકની આસપાસ રાજીનામું આપ્યું, ત્યારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે સરદાર ગામના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નારાજ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેઓ ગુમશુમ હોય તેવું પણ લાગી રહ્યું હતું.
પત્રકાર પરિષદ સંબોધવાની પણ ના પાડી હતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીના જેટલા પણ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હોય ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ પત્રકાર પરિષદને સંબોધતા હોય છે અને આખા કાર્યક્રમની રૂપરેખા વિશે વિસ્તારથી માહિતી આપતા હોય છે, પરંતુ આજે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ ખાતે સરદાર ધામનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધવાની પણ ના પાડી હતી અને ત્યારબાદ નીતિન પટેલને પત્રકાર પરિષદ સંબોધવા સૂચના પણ આપવામાં આવી હતી. આમ પ્રથમ વખત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ નરેન્દ્ર મોદીની વીડિયો કોન્ફરન્સના કાર્યક્રમોની રૂપરેખા વર્ણવી ન હતી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમા સ્પીચ પતાવીને જલ્દી નીકળી ગયા, કાર્યક્રમ દરમિયાન અરજન્ટની ચિઠ્ઠી પણ આવી
ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સીટીમાં પણ આજે 156 ડિઝાઇન કે જે રાજ્ય સરકારના મંડળમાં બનાવવામાં આવી હતી, તે બાબતનો પણ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર હતા, પરંતુ કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અરજન્ટ શબ્દ લખેલી ચિઠ્ઠી પણ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ચુડાસમાએ પોતાની સ્પીચ દરમિયાન પણ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મીટીંગ હોવાના કારણે મારે સ્પીચ જલ્દીથી પૂર્ણ કરવાની રહેશે. આમ સ્પીચ પણ વહેલી પૂરી કરવામાં આવી હતી, જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સ્પીચ આપવા ઊભા થયા તે પહેલા જ તેમની ગાડી ગાંધીનગર જવા માટે તૈયાર પણ કરી દેવામાં હતી.
પ્રદીપસિંહ જાડેજાએ પણ કાર્યક્રમ ઝડપથી પૂર્ણ કર્યો
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ હતો. તેમાં પણ પ્રદિપસિંહ જાડેજાને ફોન દ્વારા તાત્કાલિક ધોરણે મેસેજ પ્રાપ્ત થયો હતો અને તેઓ પણ ગણતરીના કલાકોમાં જ વહેલી તકે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને અનાવરણ કરીને સીધા જ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રદિપસિંહ જાડેજા અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તરફથી જ ફોન કરીને માહિતી આપવામાં આવી હતી.
તમામ પ્રધાનો રાજભવન પહોંચ્યા
મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજભવન પહોંચે તે પહેલાં જ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરીને જાણ કરી દેવામાં આવી હતી, ત્યારે આ તમામ પ્રધાનો સૌ પહેલા તેમના બંગલામાં ગયા હતા અને ત્યાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજભવન પહોંચે તે પહેલાં જ તેઓ રાજભવન પહોંચી ગયા હોવાની માહિતી પણ સુત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.
દિલ્હીથી આવેલી રાજીનામાંની કોપી વાંચી વિજય રૂપાણીએ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બહાર આવીને રાજીનામું આપ્યા હોવાની પત્રકાર પરિષદ સંબોધી હતી, પરંતુ તેઓએ ગુજરાતી નહીં, પરંતુ હિન્દીમાં રાજીનામાની જાહેરાત કરી હતી. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજીનામાની કોપી કે જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામાની સ્પીચ દરમિયાન જણાવ્યું તે રાજીનામાની સ્પીચ પણ દિલ્હીથી આવી હોવાની વાત વહેતી થઈ છે.