અમદાવાદઃ વર્ષ 2019 વડોદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ મંગળવારે ગુજરાત હાઈકોર્ટે CID ક્રાઈમના અધિકારીને તપાસમાં કોઈપણ પ્રકારની કચાસ બાકી ન રહી જાય તેની ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે, આરોપીઓ પોલીસ કર્મચારી હોવાથી કાયદાની ઘણી બાબતોથી અવગત હશે, જેથી તપાસ અધિકારીએ વધુ યોગ્ય રીતે તપાસ કરવી પડશે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે આરોપી પોલીસ કર્મચારી સામે આઈપીસીની કલમ 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કેમ કરાયો નથી એમ પૂછતાં તંત્ર દ્વારા આરોપી 6 પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હવે કેસને CID ક્રાઈમને સોંપવામાં આવ્યો છે.
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી સહિત છ પોલીસ કર્મીઓ સામે આધેડ વયના વ્યકિતને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવાના કેસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૂળ તેલંગાણાના વતની અને અમદાવાદમાં રહેતા 62 વર્ષીય બાબુ શેખ ચાદર વેચવાનું કામ કરતા હતા, ત્યારે વડોદરામાં ચાદર વેચવા આવ્યા તે દરમિયાન એક ઘરમાં થયેલી ચોરીની ઘટનામાં તેને આરોપી માની પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2019 બાદ બાબુ શેખ ગુમ થઈ જતાં પુત્ર દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરાઈ હતી. ફતેહગંજ પોલીસ દ્વારા ગુનો કબૂલ કરાવવા માટે કસ્ટડીમાં બાબુ શેખને ઢોર માર મારવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ સંડોવાયેલા પોલીસ કર્મીઓએ તેમના મૃતદેહને સગેવગે કરી દીધો હતો.