અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની મહિલા પ્રમુખ દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને મોંઘવારી તથા અન્ય મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ મહિલા કાર્યકર્તા જોડાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટર કચેરીએ સુત્રોચાર સાથે ઘોડાગાડીમાં બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ગૃહિણીઓ પર પડતી મોંઘવારીની અસર બતાવવા માટે મહિલાઓ પોતાના ઘરેથી ગેસનો બાટલો અને અન્ય વસ્તુઓ સાથે લઈને આવી હતી. આ તમામ મહિલાઓ વિરોધ સાથે કલેક્ટર કચેરી પહોંચી હતી, પરંતુ તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જેથી મહિલાઓએ કલેક્ટર કચેરીના ગેટ પાસે જ સરકારના વિરોધમાં ભજન-કિર્તન શરૂ કર્યાં હતા. મહિલાઓના ભજન-કિર્તન કરવાથી તેમને અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંગે મહિલા કોંગ્રેસના પ્રમુખ, હેતલ પારેખે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મોંઘવારી નહીં ઘટે તો, મહિલા કોંગ્રેસ દ્વારા વિવિધ રીતે વિરોધ કરવામાં આવશે.