અમદાવાદઃ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ રવિવારે નાગપુર ખાતેથી જ્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ગાંધીનગર ખાતેથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ઝોનની વર્ચ્યુઅલ જનસંવાદ રેલીને સંબોધન કર્યું હતું. આ વર્ચ્યુઅલ રેલીમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી, રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ભાજપાના દિલ્હી ખાતેના કેન્દ્રીય કાર્યાલયથી તેમજ કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને રાજ્યપ્રધાન ગણપત વસાવા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
આ વર્ચ્યુઅલ રેલીમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના જેવું ગંભીર સંકટ કોઈ દેશ પર આવે ત્યારે નકારાત્મકતા, હતાશા અને નિરાશાનો માહોલ બને તે સ્વાભાવિક છે. પરંતુ તેને પરાસ્ત કરવા મજબૂત મનોબળ, સકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ અંત્યંત આવશ્યક છે, ભારત પાસે કોઈપણ સંકટને ટાળવાનું સામર્થ્ય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશની સરકારે કોરોનાને નાથવા અનેક નિર્ણયો લીધા છે અને તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશ ઝડપથી કોરોનાને પરાસ્ત કરશે અને જનજીવન સામાન્ય બનશે. ભારત સહિત સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના વાઇરસના નિવારણ માટે વૈજ્ઞાનિક ઢબે શોધ કરી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે આ કાર્યમાં તેઓને ઝડપથી સફળતા મળે.
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતને સીધી લડાઇમાં પરાસ્ત કરી શકે તેમ ન હોવાથી અનેક વર્ષોથી ભારતમાં આતંકવાદીઓ મોકલી, દેશમાં બૉમ્બ બ્લાસ્ટ કરાવી દેશને ધ્વસ્ત કરવાનો કારસો રચતું આવ્યું છે. ગુજરાત પણ ભૂતકાળમાં આતંકવાદનો ભોગ બન્યું છે, અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ કોંગ્રેસે પોતાના શાસનમાં આતંકવાદ સામે કપરા પગલા લેવાની ક્યારેય હિંમત જ દાખવી નહીં. છેલ્લા 6 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં આતંકવાદીઓને ઈંટનો જવાબ પથ્થરથી મળી રહ્યો છે, દેશના નાગરિક આતંકવાદ સામે સુરક્ષિત છે, આતંકવાદીઓને પણ ભારતમાં હુમલો કરવાનું પરિણામ ખબર છે. આજે દિલ્હીમાં આતંકને જડબાતોડ જવાબ આપી કચડી શકે તેવી સામર્થ્યવાન અને સક્ષમ સરકાર છે. તેના પરિણામ સ્વરૂપ જ સમગ્ર દેશમાં આતંકવાદ કાબૂમાં આવ્યો છે.
દેશની અર્થવ્યવસ્થા અંગે વાત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંકટ કાયમી નથી, અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરત છે. દેશના યુવાધન, ખેડૂતો, ગરીબ, માછીમાર, મધ્યમ વર્ગ, લઘુ અને મોટા ઉદ્યોગકારો સહિત તમામને પ્રોત્સાહન મળે તે હેતુથી રીફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના સિદ્ધાંતથી કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે, કોરોના મહામારીના સમયમાં સરકારે જાહેર કરેલું રૂપિયા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ અર્થતંત્રને જરૂરથી વેગવંતુ બનાવશે. દેશમાં રોજગારીની વધુ તકો સર્જાઇ રહીછે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન યોજના, dbt ટ્રાન્સફર, ઉજ્વલા યોજના, આવાસ યોજના,આયુષમાન યોજના તેમજ ખેડૂતો માટે વિવિધ લાભકારી યોજનાઓ અમલમાં મૂકી છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપાના સંસદસભ્યો, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ રાહત કાર્યમાં જોડાઈ એક કરોડ 60 લાખથી વધુ ફુડ પેકેટનું વિતરણ કર્યું તેમજ 25 લાખ જેટલી રાસન કીટ, 56 લાખ જેટલા ફેસ કવર ઉપરાંત સેનીટાઇઝરનું વિતરણ કર્યું છે. કાશ્મીરમાંથી કલમ 370/35A ને હટાવી કોંગ્રેસે ભૂતકાળમાં વોટબેન્કના રાજકારણ ખાતર કરેલી ઐતિહાસિક ભૂલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે સુધારી છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટનું નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને રામ મંદિરનું નિર્માણ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.