- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પૌષ્ટિક લાડું વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો
- અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 7000 સગર્ભા મહિલાઓને લાડુનું વિતરણ કરાશે
- અમિત શાહ દ્વારા નાગરિકોને જન્માષ્ટમીની શુભેચ્છા પણ પાઠવવામાં આવી
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જન્માષ્ટમીના પર્વ દરમિયાન ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમણે આજે સોમવારે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડું વિતરણ કર્યા હતા. મહિલાઓના પોષણને ધ્યાનમાં રાખીને પોષણયુક્ત મગસના લાડુંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે લાડું વિતરણ રથને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 7 હજારથી વધુ સગર્ભા મહિલાઓને ઘરે ઘરે જઈને લાડુંનું વિતરણ કરશે.
પેરાલિમ્પિક્સમાં વિજેતા ખેલાડીઓને શુભેચ્છા
અમિત શાહે આ પ્રસંગે લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પણ પાઠવી હતી. આ સાથે જ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવી હતી. પેરાિલિમ્પિક્સમાં મેડલ મેળવનારી ગુજરાતની દિકરી ભાવિના પટેલને અભિનંદન આપતા તેમણે કહ્યું કે, ભાવિના પટેલે મેડલ જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
કુપોષણ નાબૂદી અભિયાન હવે આંદોલન બની ગયું
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, જો સગર્ભા સ્ત્રી સ્વસ્થ ન હોય તો બાળક પણ સ્વસ્થ જન્મતું નથી. વડાપ્રધાન મોદીએ કુપોષણ સામે જે અભિયાન શરૂ કર્યું હતું. તે આજે આંદોલન બની ગયું છે. તેમણે સગર્ભા મહિલાઓને અપીલ કરી હતી કે, આ લાડુ તમારા માટે જ છે અને તમારે જ ખાવા જોઈએ કેમ કે યોગ્ય વ્યક્તિ સરકારી યોજનાનો લાભથી વંચિત ન થઈ જાય તે જોવાની જવાબદારી આપણી છે.
શ્રીકૃષ્ણ સ્વસ્થ બાળકો માટે રોલ મોડલ
આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ અંગે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણએ સમગ્ર જીવન ભારતભ્રમણ કરીને ધર્મની સ્થાપના કરી હતી. તંદુરસ્ત બાળકોમાં બાલગોપાલ શ્રીકૃષ્ણને મોડલ બાળક માનવામાં આવે છે. આ ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને સરપંચને સૂચના આપી હતી કે, સરકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થીને આપો. આ ઉપરાંત વિધવા સહાય વૃદ્ધ લોકોની મદદ કરવા માટે કહ્યું હતું.