અમદાવાદઃ કોરોના મહામારીને લીધે હેલ્થ ઇન્શયૂરન્સનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. કારણ કે, કોરોની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં થતાં અધધ બિલથી પોલિસી ધારકોને રાહત મળે છે. ઘણી ઇન્શયૂરન્સ કંપનીઓ કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને શરતોને આધીન પોલિસી લાવી છે. જેમાં 25 હજારથી 2 લાખ સુધીનો વીમો ચુકવવામાં આવે છે. મોટાભાગની રૂટિન હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસી સારી હોવાથી લોકોને કોવિડ-19 હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસીની જરૂર પડતી નથી.
મોટાભાગની હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસીમાં ધારકોને હોસ્પિટલનો ખર્ચ અને હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં કરાવવામાં આવેલો કોરોના ટેસ્ટ, જો પોઝિટિવ આવે તો તેનો ખર્ચ પણ ઇન્શયૂરન્સ કંપની દ્વારા શરતોને આધીન ચુકવવામાં આવે છે. આ શરતોમાં દર્દી કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય અથવા 14 દિવસમાં વિદેશથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય અથવા 2-3 દિવસથી કોરોના લક્ષણ દેખાતા હોય એવા કિસ્સામાં કોરોના ટેસ્ટ માટેનો ખર્ચ હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસી હેઠળ ચુકવવામાં આવે છે.
હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસી હેઠળ માત્ર હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ નહીં, પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોમ-ક્વોરેન્ટાઇનનો ખર્ચ પણ વીમા કંપની દ્વારા ચુકવવામાં આવે છે. સરકાર માન્ય આઇસોલેશન રૂમ કે જે હોસ્પિટલ નથી અથવા ઘરે ક્વોરન્ટાઇન કરવામાં આવે તો પણ પોલિસી ધારકોને હોસ્પિટલમાં દાખલ પહેલા અને પછી થનારો ખર્ચ ચુકવવામાં આવે છે. જો કે, હોમ ક્વોરેન્ટાઇનમાં કોરોના ટેસ્ટનો ખર્ચ ચુકવામાં આવતો નથી. નોંધનીય છે કે, રેગ્યુલર હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસી પ્રથમ 30 દિવસ સુધી કોઈ પણ ચેપી બીમારીનો વીમો ચૂકવતી નથી. જો કે, કોરોનાની હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસીમાં આ શરતને બાકાત રાખવામાં આવી છે.
કોવિડ-19 હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસીની શરતો
- પોલિસી લીધા પહેલા વ્યક્તિ કોરોના પોઝિટિવ હશે તો પોલિસીનો લાભ મળશે નહીં
- કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો ટેસ્ટનો ખર્ચ ચુકવવામાં આવશે નહીં
- કોરોના સિવાય અન્ય કોઈ બીમારી માટે કોવિડ-19 હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસીમાંથી વીમાની રકમ ચુકવાશે નહીં
- કોરોના વાઇરસની સારવાર હેઠળ વીમો મેળવવા માટે હોસ્પિટલમાં 24 કલાક કે તેથી વધુ સમય સારવાર લેવી જરૂરી છે.
- અગાઉ ફેફસાં સબંધિત કોઈ બીમારી છે અને તો તેની સારવાર કરાનારા લોકોને હેલ્થ ઇન્શયૂરન્સ સ્કીમ હેઠળ વીમો ચૂકવાશે નહીં. આ પ્રકારની બીમારી હોય અને કોરોના પોઝિટિવ આવે તો પણ વીમો હેઠળ ખર્ચ ચુકવાશે નહીં
- કોરોના પોઝિટિવ ગ્રસ્ત દેશની મુલાકાત બાદ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો વ્યક્તિ રૂટિન હેલ્થ ઇન્શયૂરન્સ હેઠળ સારવારનો વીમો કવર મેળવી શકે, પરંતુ કોવિડ-19 હેલ્થ ઇન્શયૂરન્સ પોલિસીનો લાભ મળી શકે નહીં
વ્યવસાયિક કોરોના પોલિસી કવર
કોરોના લૉકડાઉન બાદ હવે અનલૉકની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારે ખાનગી કોર્પોરેટ કંપનીઓ પણ સરકારની શરતોને આધિન કાર્યરત થઈ રહી છે. જો કે, ઘણી મોટી કંપનીઓ તેમના કર્મચારીઓ માટે કોરોના સામે વીમા રક્ષણના ભાગરૂપે વધારાની હેલ્થ પોલિસી લઈ રહી છે. IRDAI દ્વારા હાલમાં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ફેકટરી, ઓફિસોના કર્મચારીઓ માટે હેલ્થ ઇન્શયૂરન્સ ફરજિયાત જાહેર કર્યું હતું.