અમદાવાદઃ શહેરમાં થોડા દિવસો અગાઉ નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મધરાત્રીએ ICU વોર્ડમાં આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીના દુઃખદ મોત થયા હતા. ત્યારે આ મોતની પાછળ મુખ્ય જવાબદાર કોણ છે, તેને લઈને નવરંગપુરા પોલીસે હોસ્પિટલના માત્ર એક ટ્રસ્ટી સામે બેદરકારીનો ગુનો દાખલ કરી સંતોષ માની લઈને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરીને રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે તપાસ માટે થઇ અધિકારીઓએ બેદરકારી નક્કી કરવા માટે આરોગ્ય વિભાગને તપાસના કામે મુખ્ય સવાલો કર્યા છે અને જેની વિગતો મંગાવી છે.
જેમાં ICUમાં દર્દી, મેડીકલ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ કેટલો હોવો જોઈએ. ICUમાં દર્દીઓના સ્થળાંતર માટે શોપ છે કે કેમ, તેમજ ICUની વ્યવસ્થા અને તૈયારી અંગે જવાબ માંગ્યો છે. ICUમાં એક બેડ માટે ઓછામાં ઓછું કેટલુ ક્ષેત્રફળ હોવુ જોઈએ, ICUમાં બહાર નીકળવાના દરવાજા કેટલા હોવા જોઈએ, વેન્ટિલેશ કેવા પ્રકારનું હોવું જોઇએ, ફાયર સેફટી કેવી અને કેટલા પ્રમાણમા હોવી જોઈએ. ઈમરજન્સીના સમયે દર્દીની હેરફેર કરવા માટે શું સગવડ હોવી જોઈએ, આ પ્રકારના પ્રશ્નો પૂછયા છે. જો કે, જવાબ લીધા બાદ આરોપીને જવા દેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારને બે IAS અધિકારીની પેનલે આ મામલે તપાસનો અહેવાલ સોંપ્યો હતો. જે અહેવાલમાં આરોપીની ગંભીર બેદરકારી ખુલી હતી. જે અંગે રાજ્ય સરકારે જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવા સૂચના આપી હતી.
નવરંગપુરા પોલીસે આ મામલે ભરત વિજયદાસ મહંત અને તપાસમાં અન્ય જે આરોપીઓ નીકળે તે તમામ વિરુદ્ધ મંગળવારે મોડી રાત્રે 11.30 વાગ્યે ગુનો નોંધ્યો હતો. ભરત મહંતના ઇતિહાસની વાત કરીએ તો તેઓ 1997માં પોરબંદરની કુતિયાણા બેઠકથી ચૂંટણી લડ્યા હતા. કરસન ઓડેદરાની સામે ભરત મહંત કોંગ્રેસ તરફથી લડ્યા હતા. ગત લોકસભા ચૂંટણી વખતે ભરત મહંત ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત શ્રેય હૉસ્પિટલનાં ટ્રસ્ટીઓની વાત કરીએ તો, ભાજપના ભરત મહંત, ડૉક્ટર કિર્તીપાલ વિસાણા, ડૉક્ટર ભાર્ગવ મહારાજા, સુપ્રાટેક લેબના સંદીપ શાહ, ડૉક્ટર તરંગ પટેલ, મહેશ ઓડેદરા છે. જો.કે હાલ પોલીસે આ મામલે ભરત મહંત સહિતના જવાબદારો વિરુદ્ધ કલમ 336, 337, 338 અને 304 (A) મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.