અમદાવાદ: રામોલ પોલીસ સ્ટેશન ખાતે એક કિન્નરે વસ્ત્રાલમાં રહેતા સાગર પંચાલ વિરુદ્ધ લૂંટ અને શોષણની ફરિયાદ નોંધાવી છે. તે આ યુવકને છેલ્લા આઠેક મહિનાથી ઓળખતો હતો. બંને અવારનવાર મળતા હતા.
રવિવારે મોડી સાંજે સાગરે આ કિન્નરને સિવિલ હૉસ્પિટલ પાસે બોલાવ્યો હતો. અહીંથી તેઓ વસ્ત્રાલ આર.ટી.ઓ નજીક આવ્યા હતા. જ્યાં સાગરે તેના કોઈ મિત્રને બોલાવ્યો હતો. ત્યારબાદ સાગર ફરિયાદી કિન્નરને આ મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે તેને કોઈ કેફી દ્રવ્ય પીવડાવ્યું હતું અને બાદમાં તેની તબિયત બગડી હતી. જેથી ફરિયાદીએ સાગરને તેમના ઘરે મૂકી જવા માટે કહ્યું હતું.
સાગર ફરિયાદીને એક્ટિવા પર વસ્ત્રાલમાં અલગ અલગ જગ્યાએ ફેરવતો રહ્યો હતો. શ્રીજી બાપા કોમ્પલેક્ષ બિલ્ડિંગની નીચે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને તેને રિંગ રોડ પર આવેલા ભારત પેટ્રોલપંપના ખાંચામાં લઈ જઈ તેની સોનાની ચેન અને રોકડ રૂપિયા 7,000 અને બુટ્ટીઓ પડાવી લીધા હતા. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર મામલે કિન્નરની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.