અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરરેશનમાં કરવામાં આવેલી આરટીઆઈમાં જાણવા મળ્યું કે, શહેરમાં ડેન્ગ્યુ-મલેરિયા જેવા ઉપદ્રવને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 4 વર્ષમાં 75.50 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વસૂલાત પેટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રૂ. 3.88 કરોડનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. ડેન્ગ્યુ, સાદા મલેરિયા, ઝેરી મલેરિયા અને ચિકનગુનિયામાં છેલ્લા 4 વર્ષમાં 42 લોકોના મોત થયા છે.

યશ મકવાણા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાહેર માહિતી અધિનિયમ-2005 હેઠળ એક અરજી કરી હતી. જેમાં અરજદારે 5 મુદ્દાને સંદર્ભે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે માહિતી માગી હતી. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં ડેન્ગ્યુ, સાદા મલેરિયા અને ઝેરી મલેરિયા, ચિકન ગુનિયા અને ફાલસીપારમના કેટલા કેસ નોંધાયા તેની માહિતી માગવામાં આવી હતી.
ડેન્ગ્યુ, સાદા અને ઝેરી મલેરિયા, ચિકનગુનીયા અટકાવવા થયેલા ખર્ચની માહિતી
- વર્ષ ખર્ચ (રૂ.)
- 2016-17 15 કરોડ 77 લાખ 64 હજાર 704
- 2017-18 17 કરોડ 68 લાખ 71 હજાર 633
- 2018-19 19 કરોડ 30 લાખ 96 હજાર 613
- 2019-20 22 હજાર 73 લાખ 37 હજાર 911
આ ઉપરાંત દર્દીઓના મોતનો રેકોર્ડ, એએમસી દ્વારા આ અટકાવવા અને દર્દીઓની સારવાર પાછળ થયેલ ખર્ચા, તેની પાછળ કરવામાં આવતા આયોજનની વિગત પણ માગવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સાઈટ વિઝિટ કરી મચ્છરોના બ્રિડિંગ પર વસૂલ કરવામાં આવેલા દંડ વસૂલાતની માહિતી માગવામાં આવી હતી. અરજદાર દ્વારા માગવામાં આવેલી માહિતીની જવાબમાં હેલ્થ વિભાગે આંકડાકીય માહિતી આપી હતી, જેમાં વર્ષ 2016થી 2019 દરમિયાનના ચાર વર્ષના ગાળામાં સાદા સાદા મલેરિયાના 28,112 કેસ, ઝેરી મલેરિયાના 4,599 કેસ, ડેન્ગ્યુના 11,613 કેસ અને ચિકનગુનિયાના 1,081 કેસ નોંધવામાં આવ્યા હતા.
5 વર્ષમાં કોમર્શિયલ, સરકારી-અર્ધ સરકારી અને કન્સ્ટ્રક્શન સાઈટ પર મચ્છરોના બ્રીડિંગની તપાસ કરવામાં આવેલા અને તેમની પાસેથી વસૂલ કરવામાં આવેલા દંડની રકમ નીચે પ્રમાણે છેઃ
- વર્ષ તપાસ એકમ વસૂલ કરેલો વહીવટી ચાર્જ (રૂ.)
- 2016 13, 350 48 લાખ 71 હજાર 770
- 2017 11, 179 37 લાખ 54 હજાર 370
- 2018 46, 313 1 કરોડ 04 લાખ 81 હજાર 610
- 2019 16, 490 1 કરોડ 97 લાખ 77 હજાર 465
આ રીતે છેલ્લા 4 વર્ષમાં મળીને કુલ ખર્ચ 75 કરોડ 50 લાખ 70 હજાર 787 રૂપિયા થયો હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે.
બીજી તરફ આ રીતે છેલ્લા 4 વર્ષમાં વહીવટી ચાર્જ પેટા તરીકે કુલ રૂ. 3,88,85,215 વસૂલવામાં આવ્યા છે.