- આમ આદમી પાર્ટીના 50 થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા
- સતત તૂટતા આમ આદમી પાર્ટીના કાર્યકરો
- અગાઉ પણ ભાજપમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાઇ ચુક્યા છે
અમદાવાદ: આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં સક્રિય થવાના પ્રયત્નો કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માં એક સાંધો અને તેર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટીના અંદાજિત 50 થી વધારે કાર્યકર્તા સોમવારે ગોરધન ઝડફિયા અને પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં ભાજપમાં જોડાયા (AAP workers join BJP) હતા.
આમ આદમી પાર્ટીના બટુકભાઈ ભાજપમાં જોડાયા
બટુકભાઈએ ભાજપમાં જોડાયા બાદ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (AAP) 120 સીટ લેવાની વાત તો દૂર છે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી 5 સીટ પણ નહિ લાવી શકે. આમ આદમી પાર્ટી એક પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે. દિલ્હીથી ફંડ આવે છે, એ અમુક જ નેતા જોડે આવે છે. જ્યારે સામાન્ય કાર્યકર્તાએ પોતાના ખર્ચે ટોપી પણ લાવવી પડે છે.
સુરતમાં થોડી સીટ જીતવાથી ગુજરાત જીતાય નહીં
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, થોડીક સીટ જીતી જવાથી ગુજરાત જીતી શકાતું નથી. તેના માટે કામ કરવું પડે છે. નાના કામો રહી જાય તો ચાલે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઈએ.