અમદાવાદઃ ભરત પંડ્યાએ જણાવ્યું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની સાચવી શકતી નથી એટલે કે, પોતાના નેતૃત્વ અને નીતિ,રીતિની અને નિષ્ફળતા છૂપાવવા માટે ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોનો આક્રોશ તેના નેતૃત્વ સામેનો છે.
ભરત પંડયાએ જણાવ્યું હતું કે, દેશમાં નહેરૂ-ગાંધી પરિવારે પ્રધાનમંત્રી પદ 38 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યું હતું. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પણ નહેરૂ-ગાંધી પરીવાર 42 વર્ષથી પોતે ભોગવે છે. સોનિયા ગાંધી 20 વર્ષ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં અને રાહુલ ગાંધી 2 વર્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં અને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોને બનાવવા તેના માટે આ ખેલ કરી રહ્યાં છે.દેશમાં 635 દિવસ સુધી “કટોકટી” નાંખીને દેશનું ન્યાયતંત્ર, લોકતંત્ર, મિડીયા તંત્ર અને સરકારી તંત્રને બાનમાં રાખ્યું હતું. હજારો લોકોને જેલમાં પૂર્યાં, લાખો લોકો ઉપર અત્યાચારો કર્યાં. આ કોંગ્રેસ હવે, કયાં મોઢે લોકશાહીની વાતો કરે છે ? કલમ 356નો દૂરઉપયોગ કરીને લોકશાહીની રીતે અને લોકો દ્વારા ચૂંટાયેલ રાજય સરકારોને બરખાસ્ત કરવાનું પાપ કરનાર કોંગ્રેસના મોઢે લોકશાહીની વાતો શોભતી નથી.
ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે રામમંદિરના મુદ્દે ભાજપની ચાર સરકારોને બરખાસ્ત કરી હતી. હવે 5મી ઓગસ્ટે રામમંદિરનું પુનઃ નિર્માણ થવા જઈ રહ્યું છે.ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે તે દેખાઈ આવે છે. કોંગ્રેસે પોતાના નેતૃત્વ, નીતિ-રીતિ માટે આત્મચિંતન કરવું જોઈએ. ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરવાનું બંધ કરવું જોઈએ.