અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં જ પોલીસ માટે હોટલ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યાં પોલીસ સ્ટેશનમાં મેસ, લાયબ્રેરી, ક્વોરેન્ટાઇન રૂમ, વેટિંગ રૂમ, રેસ્ટ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનો લાભ આસપાસના પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ મળશે.
પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં પોલીસકર્મીઓ વાંચન કરી શકશે. આ નવી બાબતો અંગે પોલીસકર્મીઓને ત્યાં શીખવાડવામાં આવશે. નવા કાયદા અંગે પણ ત્યાં અભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત વધારાના સમયમાં પોલીસ કર્મીઓ ત્યાં વાંચન કરી શકે તે માટે કલાસ રૂમ જેવી લાયબ્રેરી ઉભી કરવામાં આવી છે.
આ પોલીસ સ્ટેશનમાં મેસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પોલીસકર્મીઓને તાજું અને સાત્વિક ભોજન મળી શકે. આ મેસમાં આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને અન્ય નાગરિકોને પણ સાત્વિક ભોજન નક્કી કરવામાં આવેલા દરે આપવામાં આવશે.
પોલીસકર્મીઓ સમય કરતાં ક્યારેક વધુ ફરજ બજાવે છે, ત્યારે આરામ મળી રહે તે માટે રેસ્ટ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ક્વોરેન્ટાઇન કરી શકાય તે માટે પણ મેડિકલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં સામાન્ય સારવાર પણ મળી રહેશે. આમ બાપુનગર પોલીસ સ્ટેશન અમદાવાદનું પ્રથમ પોલીસ સ્ટેશન બનશે જ્યાં હોટલ જેવી જ સુવિધા મળશે. આ તમામ સુવિધાનો લાભ પોલીસને મળશે જેથી ફરજ બજાવવામાં પોલીસને હળવાશ અનુભવાશે.