અમદાવાદઃ સમગ્ર દેશમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે દેશવાસીઓ અલગ અલગ રીતે દેશભાવના બતાવે છે, તેમજ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ સાથે જ ગાંધી જયંતિ આવે એટલે સ્વચ્છા ઝુંબેશના પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ બધા સાથે જ રહેણાંક વિસ્તારમાં પણ સ્વચ્છતાની નિયમિતતા ખૂબજ જરૂરી છે.
સ્વચ્છાગ્રહ હોય ત્યાં જ સુંદરતા અને સ્વાસ્થ્ય જળવાય છે. આ વિચાર સાથે રિક મુખરજી અને ટીમ દ્વારા શહેરના જગતપુર, ગોદરેજ ગાર્ડન સિટીના માર્ગો પરની ગંદકીને દુર કરવાની શરુઆત કરવામાં આવી છે. ફક્ત ગાંધી જયંતિના દિવસ પૂરતું જ નહીં, પરંતુ જ્યારે જરૂર પડશે ત્યારે તંત્રને સંપૂર્ણ સહકાર સાથે વિસ્તારને સ્વચ્છ રાખવા યુવાનો કટિબદ્ધ છે.
અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય ઝોનમાં વહેંચાયેલા વિસ્તારો સતત વધતા જ જાય છે, ત્યારે મહાનગરપાલિકાની સાથે નાગરિકોનો સ્વચ્છાગ્રહ સંકલ્પ જ તમામ વિસ્તારોની સુંદરતા વધારી શકે છે.