- સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કર્યો મહત્ત્વનો નિર્દેશ
- પાર્કિંગ પોલિસી મુદ્દે ગાઈડલાઈન મુદ્દે નિર્દેશ
- આગામી સુનાવણી પહેલાં સોગંદનામું જાહેર કરવા જણાવ્યું
નવી દિલ્હી/અમદાવાદ: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પાર્કિંગ પોલિસી મુદ્દે એક જ નીતિ હોવી જોઈએ તેવી રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 જુલાઈ, 2019ના આદેશને પડકારતી વિશેષ મંજૂરી માંગતી અરજીમાં આગામી સુનાવણીની તારીખ પહેલા સચિવ, ગૃહ વિભાગના સચિવ, શહેરી વિકાસ વિભાગ અને સચિવ દ્વારા જવાબી સોંગદનામું દાખલ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે.
મહાનગરોમાં ટ્રાફિક સમસ્યાની ગંભીરતા
જસ્ટીસ એમ.આર.શાહ અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું છે કે, આ વિવાદ ન હોઈ શકે કે ગુજરાત રાજ્યના મહાનગરના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા એક ખૂબ મોટો ગંભીર મુદ્દો છે, કારણ કે જાહેર પાર્કિંગ અને ત્યાં સુધી કે મોલ અને અન્ય બજારોમાં પર્યાપ્ત પાર્કિંગની જગ્યા નથી હોતી. નાગરિકો રસ્તા પર પાર્ક કરવા મજબૂર થઈ જાય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કોઈ સમાન નીતિ અથવા દિશાનિર્દેશ કે પછી જાહેરનામું નથી. રાજ્ય તરફથી રજૂ થયેલા નિવેદનમાં કહેવાયું છે કે, રાજ્ય સરકારે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપનાવેલ પાર્કિંગ પોલિસીને અપનાવવા માટે નીતિગત નિર્ણય લીધો છે.
પાર્કિંગની સમસ્યાના સમાધાન માટે નીતિ
બેંચે આ મામલે 21 સપ્ટેમ્બર, 2021 માટે પોસ્ટ કરતા સરકારને એક નીતિ લાવવા માટે કહ્યું છે, જે નીતિ તમામ કોર્પોરેશનને લાગુ પડી શકે છે. કે જેનાથી પાર્કિંગની સમસ્યાનુ સમાધાન થઈ શકે. અન્ય કોર્ટે 15 ઓક્ટોબર, 2019 ના રોજ તમામ મુલાકાતીઓના પ્રવેશને ઓછામાં ઓછા એક કલાક સુધી મફત પાર્કિંગ કરવા દેવું અને ત્યાર પછી અપાતી પાર્કિંગની સેવા માટે ઉચિત પાર્કિંગ ફી વસૂલવા માટે વચગાળાનો નિર્દેશ પસાર કર્યો હતો. જોકે આવી ફી ચાર પૈડાંવાળા વાહનો માટે 30 રૂપિયા અને બે પૈડાના વાહનો માટે પ્રતિદિન રૂપિયા 10 થી વધુ નહી હોય.
જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની બેંચે એક નીતિ તૈયાર કરવાનો રાજ્યને નિર્દેશ કર્યો
જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસની બેંચે 27 જાન્યુઆરી, 2020ના રોજ રાજ્યને એક નીતિ તૈયાર કરવાનો નિર્દેશ કર્યો છે. જેમાં રહેઠાણના રહેવાસીઓ માટે કેટલીક ફી ચૂકવીને રાતે મોલ, હોસ્પિટલો અને સ્કૂલોમાં વાણિજ્યિક પ્રતિષ્ઠાનો દ્વારા નિર્મિત પાર્કિગનો ઉપયોગ કરી શકાય છે.
AMC એ પાર્કિંગ સ્પેસ બતાવવા કરી છે દરખાસ્ત
અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા વકરી રહી છે. આ સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી છે કે પાર્કિંગની સ્પેસ બતાવશો તો જ તમે કાર ખરીદી શકશો. આ દરખાસ્ત પછી થોડોક વિરોધ થયો છે. સ્ટેન્ડિંગ કમિટી આ દરખાસ્ત પસાર કરશે તો જ તેનો અમલ થશે.
સૂરતમાં પાર્કિંગ પોલિસીના અમલની સુપ્રીમે લીધી નોંધ
બીજી તરફ સુરત પાર્કિંગ પોલિસી લાગુ કરનારું રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે. મનપાના સાત ઝોનના કુલ વિસ્તારોમાં 2-2 રસ્તાઓ મળી કુલ 15 રસ્તાઓ ઉપર પ્રાયોગિક ધોરણે અમલીકરણ શરૂ કરવામાં આવ્યો હતો. ઝોનમાં નોડલ ઓફિસર, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર તથા માર્શલોની ટીમ ઓન સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરાવે છે. નો પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા તથા પાર્કિંગ માટે નિયત જગ્યામાં એટલે કે 15 જાહેર કરાયેલા પ્રિમિયમ રસ્તાઓ પર સફેદ પટ્ટામાં કતાર બંધ તથા નિશાની કરવામાં આવેલી જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે છે. જે પાર્કિંગ પોલિસીની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે.