- 8 બેઠકોની પેટાચૂંટણીના પરિણામ
- સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ
ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. મંગળવારે આવનાર પરિણામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી રહેવાની શકયતા છે. કોંગ્રસના 8 ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા. તેમાંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે તમામને ભાજપે તે જ બેઠક પર ટિકીટ આપી હતી. તેમની સામે કોંગ્રેસે નવા ઉમેદવાર અને વિશ્વાસું એવા ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોને 10 કરોડ આપ્યાનો વીડિયો વાયરલ થયો હતો
કોંગ્રેસે 8 ધારાસભ્યો જે રાજીનામા આપીને ગયા અને ભાજપમાં જોડાયા તેમને ગદ્દારો કહીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમજ લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેઓ દરેક ધારાસભ્યને 10 કરોડ આપ્યા હોવાની વાત કહી રહ્યા છે. તે વીડિયો વાયરલ થતાં ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ્યા હોવાની ચર્ચા હતી. આ મામલેે કોઈ ફરિયાદ થઈ નથી.
આમ 8 બેઠકોની ચૂંટણી પરિણામો મંગળવારે ઘણુબધુ કહી જશે.
બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
ધારી | જે. વી. કાકડિયા | સુરેશ કોટડિયા |
મોરબી | બ્રિજેશ મેરજા | જયંતિલાલ પટેલ |
ગઢડા | આત્મારામ પરમાર | મોહન સોલંકી |
કરજણ | અક્ષય પટેલ | કિરીટસિંહ જાડેજા |
અબડાસા | પ્રદ્મુમનસિંહ જાડેજા | શાંતિલાલ સેંઘાણી |
ડાંગ | વિજય પટેલ | સૂર્યકાંત ગાવિત |
કપરાડા | જીતુ ચૌધરી | બાબુબાઈ વરઠા |
લીંબડી | કિરીટસિંહ રાણા | ચેતન ખાચર |
મતદારો પક્ષપલટુ ઉમેદવારોને સ્વીકારશે કે નહી?
હવે જોવાનું રહ્યુ કે પાંચ બેઠકો પરની જનતા કોંગ્રેસના ધારાસભ્યો જે ભાજપની બેઠક પર ચૂંટણી લડ્યા છે તેમને સ્વીકારે છે કે નહી? જેમાં પદ્મુમનસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા, જે. વી. કાકડિયા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરી છે. તેમને મતદારોએ મત આપ્યા હશે કે પછી પાઠ ભણાવ્યો હશે, એ તો ઈવીએમ ખૂલે પછી જ ખબર પડશે.