- વૃદ્ધો વહેલી સવારે મતદાન કરવાં મતદાન મથકે પહોંચ્યા
- યુવાઓ મતદાનને લઈને નિરુત્સાહ
- મુશ્કેલો વેઠીને પણ સિનિયર સિટીઝને કર્યું મતદાન
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 07:00 વાગ્યાથી લઈને સાંજે 06:00 વાગ્યા સુધી મતદાનનો સમય છે. અમદાવાદીઓ મતદાનને લઈને અત્યારે નિરુત્સાહી લાગી રહ્યા છે. કારણ કે, બપોર સુધીમાં ફક્ત 11ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જોકે, બપોરના સમય બાદ વધુ મતદાન થાયું હતું.
યુવાનો કરતા વૃદ્ધો મતદાનને લઈને સજાગ
વહેલી સવારે 07:00 વાગ્યે જ્યારે મતદાન શરૂ થયું અને ETV ભારતની ટીમ વિવિધ મતદાન મથકોએ પહોંચી હતી. ત્યાં સૌપ્રથમ મતદાન કરવા સિનિયર સિટીઝન પહોંચ્યા હતા. જ્યારે યુવાનો નિરુત્સાહ દેખાયા હતા. અમદાવાદના રાણીપ વોર્ડમાં ગણનાથ વિદ્યાલયમાં મતદાન કરવા માટે આવું જ એક સિનિયર સિટીઝન દંપતી પહોંચ્યું હતું. જેમાં 89 વર્ષના અંબાલાલ જાદવ અને તેમના પત્ની નિર્મલા જાદવ આવ્યા હતા. નિર્મલા જાદવને થોડા સમય અગાઉ ફ્રેક્ચર થયું હતું અને તેમના પગમાં સળીયો નાખેલો છે તેમ છતાં તેઓ ઘોડીના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા.
વૃદ્ધોએ યુવાનોને કરી અપીલ
આ વૃદ્ધ દંપતી પાસે વોટર સ્લીપ હતી, પરંતુ વોટર ID ન હોવાથી તેમનો પૌત્ર વોટર ID લેવા ગયો હતો. તે દંપતિએ શાંતિથી બેસીને રાહ જોઈ હતી. આ દંપત્તિએ યુવાનોને શરમાવે તેવી રીતે કોરોના કાળમાં મુશ્કેલીઓ વેઠીને પણ મતદાન કર્યું હતું તેમજ જણાવ્યું હતું કે, તેઓ દર ચૂંટણીમાં સૌથી પહેલા મતદાન મથકે પહોંચીને મતદાન કરે છે. યુવાઓએ પણ મતદાન કરવું જ જોઈએ.