- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક મળી
- નવી શિક્ષાનીતિ અને નવા અભ્યાસક્રમ ઉપર ચર્ચા
- શિક્ષકોના પેંશન અને સાતમા પગારપંચ ઉપર પણ ચર્ચા
અમદાવાદઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક અમદાવાદ ખાતે મળી હતી. આ બેઠકમાં દેશના તમામ રાજ્યના અપેક્ષિત પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં શિક્ષણની સાથે શિક્ષકોની સમસ્યાઓ ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં જુની પેન્શન યોજના સહિત નવી શિક્ષણ નીતિ-2020, નવા પાઠ્યપુસ્તકો, શિક્ષક સજ્જતા, સાતમા પગાર પંચનો સંપૂર્ણ અમલ સહિતના મુદ્દે ચર્ચાઓ, ઠરાવો થયા હતા.
શિક્ષક પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા
શાળાઓમાં ચાલતા વિશેષ પ્રયોગો વિશેની માહિતી એકત્રિત કરી, શાળાઓમાં 'મેરા વિદ્યાલય મેરા તીર્થ'ના ખ્યાલને અમલમાં મુકવાની વાત આ બેઠકમા થઈ હતી. દેશભરના શિક્ષક પ્રતિનિધિઓએ પણ આ બેઠકમા પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
સંગઠનના રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
આ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.સિઘલ, મહામંત્રી શિવાનંદ શિન્દનકેરા, સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેએઓ શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકની સંપૂર્ણ તૈયારીઓ અમદાવાદ શહેરના સંગઠનના હોદ્દેદારો દ્વારા કરાઈ હતી.
સંગઠનના આગામી કાર્યક્રમો
હિમાચલ પ્રદેશના શિમલામાં આગામી 11-12 જૂનના રોજ કાર્યકર અભ્યાસ વર્ગ યોજાશે. શિમલામાં રાષ્ટ્રીય કારોબારી અને સામાન્ય સભાની એક બેઠક પણ 12-13 જૂને યોજાશે. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર શાળાના શિક્ષકો અને કોલેજના શિક્ષકો માટે ઓનલાઈન નિબંધ સ્પર્ધા પણ યોજાશે.