અમદાવાદઃ કરણી સેના દ્વારા અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલ મોબાઈલની ચાઈનીઝ એસેસરીનું વેચાણ કરતાં દુકાનોના વ્યાપારીઓ અને ચેરમેનને ચીનની વસ્તુઓનું વેચાણ બંધ કરવા માટે આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્ર આપવા ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત સાથે મોટા પાયે કરણી સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.તેમણે ચાઈનીઝ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની તોડફોડ પણ કરી હતી. આ મામલાને જોતાં પહેલેથી જ પોલીસ ગીતામંદિર માર્કેટમાં ખડકી દેવામાં આવી હતી.
રાજ શેખાવતે જણાવ્યું હતું કે, ચાઈનાની પ્રોડક્ટ વેચવાનું બંધ કરવામાં આવે અને ભારતીય મૂળની પ્રોડક્ટને અપનાવવામાં આવે. જેથી આપણા જ પૈસાથી આપણા દેશના જવાનોની સામે લડવામાં તેનો ઉપયોગ ન થાય. જો વેપારીઓ પાસે જૂનો સ્ટોક પડયો હોય તો એક મહિનામાં તેમને વેચી દેવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.વેપારીઓને આગળથી નવો ચીનનો માલ ન ખરીદવા તેમને જણાવાયું છે.લોકો દેશના જવાનોના જુસ્સાને જાળવી રાખી ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરશે તેવી આશા તેમને રાખી છે.તેમણે ધમકી પણ આપી છે કે, જો વેપારીઓ ચાઈનીઝ પ્રોડક્ટનું વેચાણ કરશે, તો તેઓ ગદ્દાર ગણાશે અને ગદ્દારી કરનાર સાથે તેઓ ક્યારેય પણ એક દેશવાસી જેવું વર્તન રાખશે નહીં.
આમ કરણી સેના દ્વારા ગર્ભિત ધમકી વ્યાપારીઓને અપાઈ છે. જો કે આ સંપૂર્ણ વિરોધમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી. કરણી સેનાએ પોતાના અંદાજમાં વિરોધ કર્યો હતો.