- ભારતના બાળકને મળ્યા ઈટલીના માતાપિતા
- ઈટલીના દંપતીએ ભારતના બાળકને લીધું દત્તક
- અમદાવાદ કલેક્ટરે પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને સોંપ્યો
- બાળક મહેન્દ્ર પહેલાથી જ દિવ્યાંગ હતો
અમદાવાદઃ ગયા માર્ચ મહિનાથી ઈટલીમાં દંપતી એડોપ્શન પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોતું હતું. કારણ કે, ભારતના 6 વર્ષના બાળકને તેમણે દત્તક લેવું હતું, જે પ્રક્રિયા આજે પૂર્ણ થઈ ગઈ હતી. બાળક મહેન્દ્રની ઉંમર 5 વર્ષ અને 11 મહિના છે. 2.5 વર્ષની ઉંમરમાં સંસ્થામાં પ્રવેશ મેળવ્યો ત્યારે મહેન્દ્ર દિવ્યાંગ હતો. સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી અને જરૂરી તબીબી સારવારને કારણે મહેન્દ્રનો શારીરિક વિકાસ પૂર્વવત બન્યો હતો. આજે નાનકડો મહેન્દ્ર દોડી શકે છે, ડાન્સ કરી શકે છે.
અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સંદીપ સાગલે ઈટલિયન દંપતીને બાળક દત્તક આપવાની કાનૂની પ્રક્રિયા આજે પૂર્ણ કરી હતી. કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ ગમન બંધ હતું. આ ઉપરાંત બાળક દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયાઓ પણ દુનિયાભરમાં મૂલતવી હતી. જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી-'કારા'એ આ વર્ષે નવેમ્બર મહિનાને 'ઈન્ટરનેશનલ એડોપ્શન મંથ' જાહેર કર્યો છે.
મહેન્દ્રના નવા માતાપિતાએ શું કહ્યું ?
મહેન્દ્રની માતાએ કહ્યું હતું કે, તે ઈટલીમાં સંયુક્ત પરિવારમાં રહે છે. મહેન્દ્રને તે જીવનના આવશ્યક મૂલ્યો શીખવશે. તેને કંઈ બનવાનું દબાણ નહીં કરે, પરંતુ ખુલ્લાપણું આપી તેનો ઉછેર કરીશ. તે બેકરીમાં શેફ છે આથી દરરોજ તેને ચોકલેટ ખાવા મળશે તેવું સ્મિત સાથે જણાવ્યું હતું કે, જ્યારે મહેન્દ્રના પિતાએ કહ્યું કે, ગત માર્ચમાં જ મહેન્દ્રને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે બધું અટવાઈ પડ્યું હતું. અંતે જિલ્લા વહિવટીતંત્ર, કેન્દ્ર સરકાર અને 'કારા'ના સહયોગથી બધું સમુસુતરું પાર પડ્યું.
જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે પણ જણાવ્યું કે, મહેન્દ્ર અઢી વર્ષનો હતો ત્યારે માત્ર છ કિલો વજન ધરાવતો હતો, કુપોષિત હતો. સામાજિક સંસ્થાએ તેની યોગ્ય સારસંભાળ કરી તેનો ઉછેર કર્યો છે. આજે બાળ સુરક્ષા વિભાગ અને 'કારા'ના પ્રયાસો થકી મહેન્દ્રના એડોપ્શની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પ્રશાસન વતી તે અભિનંદન અને આનંદની લાગણી વ્યક્ત કરે છે.