અમદાવાદઃ કચ્છના પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યાકાંડ કેસમાં આરોપી ભાજપના નેતા છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાઇકોર્ટે 50,000 રૂપિયાના પર્સનલ બોન્ડ પર આરોપી સિદ્ધાર્થ પટેલના જામીન મંજૂર કર્યા છે.
કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો જ જામીન મુક્ત કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, સરકારી વકીલ તેની સામે નોંધાયેલા ગુના પુરવાર કરી શક્યા નથી. આ સાથે જ અરજદાર-આરોપી ગત 18 મહિનાથી જેલમાં છે અને ક્યાંય ભાગશે નહીં તેવી રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં મદદગારીના ભાગરૂપે સંકળાયેલા અન્ય 2 આરોપી રાહુલ પટેલ અને નીતિન પટેલના જામીન પણ હાઈકોર્ટે મંજૂર કર્યા હતા.
આ અગાઉ ભચાઉ શેસન્સ કોર્ટે ભાજપના નેતા છબીલ પટેલના જામીન ફગાવતા જામીન મેળવવા આ કેસના મુખ્ય આરોપી છબીલ પટેલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જંયતિ ભાનુશાળીની હત્યાના થોડાક દિવસ અગાઉ વિદેશ ગયેલો છબિલ પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચતા CID ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
CID ક્રાઈમે અગાઉ આ કેસમાં હત્યામાં સંડોવાયેલા 2 શાર્પ શૂટર, છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે આ કેસમાં માસ્ટર માઈન્ડ ગણાતી મનિષા ગોસ્વામીની પણ ધરપકડ કરી હતી.
ગત 24 જાન્યુઆરીના રોજ પોલીસે જણાવ્યું હતું કે, 7 જાન્યુઆરીના રોજ સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનના ફસ્ટ AC કોચમાં ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર હત્યાકાંડમાં મનિષા ગોસ્વામી અને પૂર્વ MLA છબિલ પટેલ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા હતા.
છબિલ પટેલ અને જયંતિ ભાનુશાળી કચ્છની અબડાસા બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે મનિષા નામની મહિલા આરોપીને ભાનુશાળીના ભાણેજ સાથે દુશ્મનાવટ હતી. જ્યંતિ ભાનુશાળી સાથે તેમના ભાણેજ પણ સયાજીનગર ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યાં હતા.