- અમદાવાદમાં 45 ડિગ્રીથી વધુ તાપમાનની શક્યતા
- માર્ચથી જ કાળઝાળ ગરમીનો પ્રારંભ
- ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી પાર પહોંચશે
અમદાવાદ: ચાલુ વર્ષે માર્ચથી મે મહિના સુધીમાં દેશના ઘણાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે માર્ચ મહિનાથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે, જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતમાં તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચે તેવી આગાહી પણ કરવામાં આવી છે. રાજસ્થાન પણ તપશે એવું જણાવાયું છે. નિષ્ણાતોના મત મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય નહીં થતા રાજસ્થાનમાં વરસાદ ઓછો થયો છે. પરિણામે ત્યાં ગરમી વધવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં સામાન્યથી વધુ ગરમ રહેશે
અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં બે દિવસ દરમિયાન ઠંડા પવનોને કારણે ગરમીથી રાહત રહેશે. પરંતુ, 4 માર્ચથી રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ઉત્તરોત્તર ગરમીમાં વધારો થશે. તેમજ ચારથી પાંચ દિવસો સુધી ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધવાની શક્યતા છે. જેને કારણે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. જોકે પાંચ દિવસ પછી ગરમીમાં ફરીથી ઘટાડો થવાની શકયતા છે.