- કોરોનાનો કાળ બનીને આવી ગઈ કોવિશિલ્ડ વેક્સીન
- અમદાવાદમાં આવેલી રસીના જથ્થાનું સ્વાગત થયું
- નાયબ સીએમ નીતિન પટેલે કર્યું સ્વાગત
- રાજ્યના 287 બૂથ પર ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાશે
- પહેલા તબક્કાનો ખર્ચ ભારત સરકાર ઉપાડશે.
અમદાવાદઃ રાજ્યના નીતિન પટેલે જણાવ્યું કે સમગ્ર દેશ જેની રાહ જોઇ રહ્યો છે તે, કોરોના વેક્સીનનો જથ્થો વડાપ્રધાન મોદી, ભારત સરકારે મોકલી આપ્યો છે. પ્રથમ તબક્કાનો રાઉન્ડ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થઇ રહ્યો છે તેના માટેનો વેક્સીનનો જથ્થો પુરો પાડવાની ભારત સરકારે શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારે પૂણેથી મોકલેલા 2 લાખ 76 હજાર વેક્સીનનો પ્રથમ તબક્કાનો જથ્થો સ્વીકાર્યો છે. પ્રજાની લાગણી, જરૂરીયાત પુરી થાય તે માટે વડાપ્રધાને સતત પ્રયત્ન કર્યા હતા, તેના પુરાવા રૂપે આજે અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ જથ્થો અમે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અગ્ર સચિવ ડૉ. જયંતી રવી, સમગ્ર રાજ્યના વેક્સીનેશન કાર્યક્રમના નોડલ ઓફિસર મુકેશ પંડ્યા, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે આ જથ્થો સ્વીકાર્યો છે.
- દેશમાં 30 કરોડ નાગરિકોને આપવામાં આવશે વેક્સીનેશન
વેક્સીન આવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે, વડાપ્રધાને અગમચેતીના ભાગરૂપે પહેલા લોકડાઉન કર્યુ, કરફ્યુ અને તે પછી અનલોક કર્યુ, હવે બધી રીતે પ્રજાને વેક્સીનથી સુરક્ષિત કરવા માટે સમગ્ર દેશમાં 30 કરોડ નાગરિકોને વેક્સીનેશન આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડૉક્ટર, નર્સિગ સ્ટાફ, સફાઇ કામદારોને 16 તારીખથી વેક્સીનેશનની શરૂઆત થશે, જેના માટે પ્રથમ તબક્કાનો 2 લાખ 76 હજારનો જથ્થો પહોચાડવા બદલ ગુજરાત સરકાર તરફથી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તરફથી ગુજરાતની જનતા તરફથી વડાપ્રધાનનો આભાર માનું છું.
- રાજ્યમાં ક્યાં ક્યાં પહોચાડવામાં આવશે કોરોના વેક્સીનનો જથ્થો
ગુજરાતમાં આવેલા કોરોના વેક્સીનના 2 લાખ 76 હજાર જથ્થામાંથી અમદાવાદને 1 લાખ 30 હજાર ડોઝનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં આ જથ્થો રાખવામાં આવશે. ગાંધીનગરમાં બીજા 96 હજાર ડોઝ રાખવામાં આવશે. 22 હજાર ડોઝ આવતીકાલે અથવા ગુરૂવારે ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે. અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર વિસ્તાર તેમજ ભાવનગર વિસ્તારમાં કોરોના વેક્સીનનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે.
- આવતીકાલે સુરત અને વડોદરા બીજો જથ્થો પહોચશે
બીજો જથ્થો પૂણાથી આવતીકાલે સુરત પહોચશે જેના માટે વેક્સીનના 93 હજાર 500 ડોઝ ફાળવવામાં આવ્યાં છે. વડોદરા ખાતે પણ 94 હજાર 500 ડોઝનો જથ્થો પૂણાથી આવતીકાલે પહોચશએ. રાજકોટ ખાતે પણ આવતીકાલે વાહન દ્વારા કોરોના વેક્સીનનો જથ્થો પહોચશે... 20 હજાર કરતા વધુ વેક્સીનેશન સેન્ટર ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 33 હજાર આરોગ્ય કર્મચારી સહિતના બધાને મળીને આ કોરોના વેક્સીન આપવામાં આવશે. 16 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાત અને દેશના અનેક સેન્ટરો ઉપર આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરશે.