- 24 કલાક પછી પણ શ્રમિકોના મોતનું કારણ અકબંધ
- ETP ટેન્કની સફાઈ માટે ઉતર્યા હતા શ્રમિકો
- તપાસ પૂર્ણ થયા બાદ ટેકનિકલ ટીમોની મદદ લેશે પોલીસ
- સેફટીના સાધન ના હોવાથી માલિક વિરુદ્ધ ગુનો દાખલ થઇ શકે છે
ગાંધીનગર : જિલ્લાના કલોલની ખાત્રજમાં આવેલી તુત્સન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 5 શ્રમિકોએ જીવ ગુમાવ્યો (death of 5 laborers) હતો. દૂષિત પાણીના રિસાયકલિંગ માટેની ETP ટેન્કની સફાઈ માટે ઉતરેલા એક શ્રમિકે ચીસ પાડતાં અન્ય શ્રમિક તેને બચાવવા ઉતર્યા હતાં.
પાંચ શ્રમિકોના મૃતદેહ બહાર આવ્યા
એક પછી એક શ્રમિક તેને બચાવવા જતા પાંચ શ્રમિકોના મૃતદેહ બહાર આવ્યા હતા. જેમાં વિનય કુમાર, શશી રામપ્રકાશ ગુપ્તા, દેવેન્દ્ર કુમાર દિનેશભાઈ, અનીષકુમાર પપ્પુભાઈ, રાજન કુમાર પપ્પુભાઈના મૃત્યુ થયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો અને કંપનીના માલિક દોડી આવ્યા હતા. ત્યારે કયા કારણથી મૃત્યુ થયું તેને લઈ સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.
માલિક વિરુદ્ધ કેસ દાખલ કરવો કે નહીં તેને લઈને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે : પોલીસ
આ કેસની તપાસ કરતા સાંતેજના PSI એલ.એચ. મસાણીએ કહ્યું કે, "પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હજુ ચાલુ છે. માલિક વિરુદ્ધ કેસ દાખલ કરવો કે નહીં તેને લઈને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે. જો કોઈ તથ્યો મળતા આવશે તો જરૂરથી ગુનો દાખલ થશે. પુરાવાઓ એકત્રિત કરવા માટે ટેકનિકલ ટીમની મદદ લેવામાં આવી રહી છે અને આ ટીમોના ઓપિનિયન લીધા બાદ તેમાં કોઈ તથ્યો જણાશે તો ગુનો દાખલ કરીશું." જોકે ત્યાં રહેલા કેટલાક સ્થાનિકોનું માનવું છે કે, એક પછી એક કેમ શ્રમિકોનું મૃત્યુ થવાનું કારણ કરંટ લાગ્યો હોવાથી થયું છે, તો પોલીસની પ્રાથમિક તપાસમાં ઝેરી કેમિકલ યુક્ત પાણીની અસર થવાથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો: કૃષ્ણનગરમાં નવજાત બાળકીને અજાણ્યા લોકો બસ સ્ટેન્ડ નીચે મૂકી ફરાર
પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળશે
પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ કયા કારણોથી મૃત્યુ થયું છે તે વિશે સ્પષ્ટતા થઈ શકે છે. પોલીસ દ્વારા કલોલમાં જ સવારે પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દવા બનાવતી તુત્સન ફાર્માના માલિક વિરુદ્ધ હજુ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. FSL દ્વારા નમુનાઓ લેવામાં આવશે. આ એક મોટી બેદરકારી સામે આવી છે કે, શ્રમિકો પાસે કોઈ પણ પ્રકારના સેફટી ઈકવીપમેન્ટ પહેરેલા નહોતા. સેફટીના સાધન વિના શ્રમિકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતાં, પરંતુ હજુ સુધી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત