અમદાવાદ: આજથી 3 મહિના બાદ એટલે કે ઓગસ્ટ મહિનાની 22 તારીખે ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થીનો ધાર્મિક ઉત્સવ મહારાષ્ટ્ર પૂરતો સીમિત ન રહેતા પૂરા ભારતનો ઉત્સવ બની ગયો છે. તેમાં પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશજીની સ્થાપના અને પૂજા અર્ચના વધુ થાય છે. ગણેશજીની મૂર્તિઓમાં ખાસ કરીને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વધુ વપરાય છે.લાખોની સંખ્યામાં કલાકારો મૂર્તિઓનું નિર્માણ કરતા હોય છે. ત્યારે કલાકારો અને ગણેશ ભક્તો માટે એક ખુશીના સમાચાર છે.
ભારત સરકારના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, આજથી 1 વર્ષ સુધી ગણેશજીની પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવે છે. એટલે કે, આ ગણેશ ચતુર્થી પર પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચી શકાશે. સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના 6 મહિના બાકી હોય ત્યારે જ મૂર્તિઓ બનાવનાર મોટા કારીગરો કામગીરી શરૂ કરી દે છે.
આ વર્ષે કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે અનેક લોકોને ધંધા-રોજગારમાં નુકસાન થયું છે. ત્યારે આ મૂર્તિ કલાકારોને નુકસાન ન થાય તેથી જેમને મૂર્તિ બનાવી દીધી છે, તેઓ મૂર્તિઓનું વેચાણ કરી શકશે. ગુજરાત અને અમદાવાદમાં અમુક સમાજ માટે ગણેશ ચતુર્થીની મૂર્તિઓના વેચાણ પર જ આખા વર્ષના ભરણપોષણની આવક થતી હોય છે. ત્યારે આ સમાજને લાભ થશે.
મોટાભાગના ભક્તો અનેક મૂર્તિ કલાકારો પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવવાનો આગ્રહ રાખતા હોય છે. કારણ કે, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવેલી મૂર્તિમાં યોગ્ય ઢોળાવ સરળતાથી આપી શકાય છે. તેની પર રાસાયણિક રંગો પણ સારી રીતે લાગતા હોય છે. તેથી જાણે ઈશ્વર આબેહૂબ સામે બેઠા હોય તેવો ભાસ થાય છે. પરંતુ તેમ છતાં પર્યાવરણીય રીતે માટીની મૂર્તિઓની સ્થાપના કરવી તે ઇચ્છનીય છે. કારણ કે, પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી જલીય જીવોને નુકસાન થાય છે. તો પાણીનું પ્રદૂષણ પણ થાય છે. તેનાથી અનેક રોગોના ભોગ બનાય છે.