- સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા
- ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા આમ આદમી પાર્ટી ઊતરી મેદાને
- સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે, કૃષિ કાયદા અયોગ્યઃ AAP
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ કહ્યું, ભાજપ અને કોંગ્રેસ પાસે ચૂંટણી જીતવાના અનેક નુસખા છે પણ અમે જે દિલ્હીમાં કર્યું તે જ અહીં કરવા માગીએ છીએ. એટલે ભાજપ કોંગ્રેસની રણનીતિ કરતા અમારી કામની વાત અને અમારા કામનો મુદ્દો જ આગળ રહેશે. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આ તમામ જગ્યા પર ચૂંટણી લડવા માટે તૈયાર છે અને તેના માટે ઉમેદવારને શોધવાની પ્રક્રિયા અને પાર્ટીનો પ્રચાર પણ ચાલી રહ્યો છે.
ખેડૂત આંદોલન બાબતે આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને 100 ટકા અન્યાય થવાનો છે અને આ કારણે જ દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકાર ખેડૂતોની મૂળ વાતનું નિરાકરણ લાવવાના બદલે અને ખેડૂતોની સમસ્યાનો નિકાલ લાવવાના બદલે ખેડૂતોને દેશ વિરોધી ચીતરવાનું કામ કરે છે તે બિલકુલ અયોગ્ય છે. આ કાયદા ખેડૂત વિરોધી જ નહીં પણ જનતા વિરોધી પણ છે. કારણ કે, કંપનીઓના આવવાથી ખેડૂતોને પકવેલા અનાજના ભાવ નહીં પણ ગ્રાહકને મોંઘી વસ્તુ મળશે. જનતાને પણ આ કાળો કાયદો અસર કરે છે. આ કાયદો આવવાથી કંપનીઓ ખેડૂતોને લલચાવી અને ફોસલાવીને તેમની પ્રોડક્ટ લઈ લેશે, પરંતુ પાછળથી કંપનીઓની મોનોપોલી ઊભી થશે અને તેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળશે નહીં. એટલે કંપનીઓની કિંમતે ખેડૂતોને માલ વેચવો પડશે.
AAPના અધ્યક્ષે વધુમાં કહ્યું, આ કાયદો આવવાથી APMC બંધ થઈ જશે. આ બાબતે મારી દલીલ છે કે, ગુજરાતમાં ખાનાગી શાળા આવવાથી જે રીતે સરકારી શિક્ષણ વ્યવસ્થાનું કલ્યાણ થઈ ગયું તે જ પ્રકારે કંપનીઓ આવવાથી ખેતી વ્યવસ્થાનું કલ્યાણ થવાનું છે. સરકાર ખેડૂતો અને દેશના લોકોને ગેરમાર્ગે દોરવા દેશ વિરોધીના લેબલ લગાવે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે ત્યારે ભાજપ અને કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી પણ મેદાને ઊતરશે. ગુજરાત આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે તેવું નિવેદન આપ્યું છે.
AAP પૂરા ગુજરાતમાં લડશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આગામી ચૂંટણીને ધ્યાને લઇને ગુજરાતમાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પાર્ટીની સાથે જોડાયેલા અને જેમને પાર્ટીની અંદર જે યોગદાન આપ્યું છે. તેવા કાર્યકર્તાઓએ કરેલા કામ, પાર્ટીની અંદર આપેલા યોગદાનના આધારે અને સમાજની અંદર રહેલા યોગદાનને આધારે આમ આદમી પાર્ટી ઉમેદવારોને પસંદ કરવા જઈ રહી છે અને આજે આમ આદમી પાર્ટી ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી.