- ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહારના ભાગમાં મોટી નુકસાની
- અંદરના ભાગમાં દર્દીઓને નથી થઇ હાલાકી
- ડોમ, અને હેલ્પ ડેસ્ક તેમજ હોર્ડિંગ્ઝને નુકસાન થયું
અમદાવાદઃ તૌકતે વાવાઝોડાને લઇને રાજયના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાવાઝોડાને લઇને મોટી નુકસાની થઇ છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં પણ નુકસાની સામે આવી છે. DRDO અને ગુજરાત સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં તૌકતે વાવાઝોડાને લઇને બહારના ભાગમાં મોટી નુકસાની આવી પડી હતી. પોલીસ વિભાગના અધિકારી, કોવિડ હેલ્પ ડેસ્ક અને ખાનગી સંસ્થાના સિક્યોરિટી ગાર્ડને બેસવા માટે ઉભા કરવામાં આવેલા ડોમ હવામાં ઉડયાં હતાં અને ધરાશાયી થયા હતાં.
આ પણ વાંચોઃ હવામાન વિભાગ દ્વારા વરસાદ અને કરાના વાતાવરણ માટે આપવામાં આવી ચેતવણી
હોસ્પિટલના ગેટ પર સુરક્ષા માટે લગાવવામાં આવેલા બેરિકેડ પણ ભારે પવનના કારણે તૂટી પડયાં હતાં. હોસ્પિટલની બહારના ભાગમાં લગાવવામાં આવેલા બેનર તૂટી પડયાં હતાં સાથેસાથે હોસ્પિટલની ચારેય બાજુ આવેલા વૃક્ષો પણ ઢળી પડયાં હતાં. હોસ્પિટલના હેસ્પ ડેસ્ક પરથી જાણકારી આપવામાં આવી હતી કે, ભારે વરસાદ અને પવનના કારણે ફક્ત બહારની ભાગમાં નુકસાની થઇ છે. અંદરના ભાગમાં દર્દીઓને કોઇ પણ જાતની નુકસાની થઇ નથી. પાવર પણ કટ થયો નથી અને ઓક્સિજન સપ્લાયમાં પણ કોઇ અડચણ આવી નથી.
આ પણ વાંચોઃ તૌકતે સાઈકલોન અસર : વડાપ્રધાન મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ