- સોલા સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે બેડની ક્ષમતા વધારીને 600 કરાઈ
- જિલ્લામાં 'પિંક સ્પોટ' ધરાવતા ગામોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે
- વધારે જરૂર પડશે તો વધુ બેડની સંખ્યા વધારાશે
અમદાવાદ- અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 450 બેડ છે, તેની સંખ્યા વધારીને 600 કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હજી પણ વધારે જરૂર પડશે તો અન્ય બેડ વધારવાની તૈયારી રખાઈ છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ સોલા સિવિલ હોસ્પિટલની ગઈકાલે અને આજે મુલાકાત લઈને બાદ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આજે તમામ તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લાના મેડિકલ ઓફિસરોની બે મિટિંગ બોલાવીને તેમને આવતીકાલથી જ ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને ટેસ્ટિંગ વધારવા સૂચના આપી દેવાઇ છે. એ જ રીતે સોમવારથી અમદાવાદ શહેર ફરતા રીંગ રોડ ઉપર ગામડાઓમાં પ્રવેશતાં માર્ગો પર કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાશે.