- ઉભરતાં ક્રિકેટર્સ માટે યોગ્ય કોચિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- ખેલાડીઓ માટે દરરોજ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ માટે પ્રોત્સાહન
- ખેલાડીઓ પરિસ્થિતિ મૂજબ વિચારીને પ્રદર્શન કરવા સક્ષમ બને
અમદાવાદ: ક્રિકેટર સુરેશ રૈનાએ આજે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમીનું ઉદધાટન કર્યું હતું. આ એકેડમી શહેરના પ્રતિભાશાળી અને ઉભરતાં યુવા ક્રિકેટર્સને યોગ્ય કોચિંગ અને ટેકનીક પ્રદાન કરીને તેમને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા સમક્ષ બનાવશે. એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમી ભારત અને વિદેશોમાં તેના સેન્ટર્સ શરૂ કરી રહ્યું છે.
માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે રમત અતિ આવશ્યક: રૈના
આ પ્રસંગે ક્રિકેટર સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે, “અહીં ઉપસ્થિત રહેવું મારા માટે અત્યંત ખુશી અને ગર્વની વાત છે તથા ક્રિકેટમાં રૂચિ ધરાવતા દરેક યુવાનને માળખાકીય તાલીમ પ્રદાન કરવાની એમ.એસ.ધોની અને મીહિરની કટીબદ્ધતા ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે. માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે રમત-ગમતમાં સામેલ રહેવું અત્યંત આવશ્યક છે, તેમજ પસંદગીની રમતમાં સક્રિય રહેવું વધુ લાભદાયી રહે છે.
યુવા વયે ક્રિકેટમાં બેઝિક પાયો મજબૂત થઇ જાય
ભારતમાં ઉભરતાં ક્રિકેટર્સને માળખાકીય ક્રિકેટ કોચિંગની સુવિધા પ્રદાન કરવાની પહેલ અંગે વાત કરતાં મીહિર દિવાકરે જણાવ્યું હતું કે, “MSDCAનો મુખ્ય ઉદ્દેશ્ય માળખાકીય પ્રોગ્રામ દ્વારા દેશમાં ઉભરતાં ક્રિકેટર્સને પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે દ્વારા તેમના કૌશલ્યોને સજ્જ કરીને ક્રિકેટ અને જીવન બંન્નેમાં સફળતા માટે બળ આપી શકાય. અમારો વિશિષ્ટ કોચિંગ પ્રોગ્રામ ઇન્ટિગ્રિટી, ટીમવર્ક, એન્જોયમેન્ટ, પ્રોફેશ્નાલિઝમ અને એડપ્ટિબિલિટી એમ.એસ.ધોનીના જીવનના મુખ્ય મૂલ્યો આધારિત છે. મને વિશ્વાસ છે કે, આ લર્નિંગ પ્રોગ્રામ યુવા વયે બેઝિક શીખવવામાં મદદરૂપ બનશે. અહીં બાળકો મોર્ડન ક્રિકેટના વિવિધ ફોર્મેટ્સને સરળતાથી અપનાવીને સફળ બનવા જરૂરી કોચિંગ પ્રાપ્ત કરી શકશે.”
સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી: રૈના
આજે તેઓ પોતે જે સ્થાને પહોંચ્યાં છે તેની પાછળ તેમણે કરેલી સખત મહેનત વિશે વાત કરતાં ઉમેર્યું હતું કે, પ્રતિભા જન્મથી નહીં, પરંતુ પ્રેક્ટિસ કરવાથી આવે છે. એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમી સાથે બાળકો પાસે તેમની પ્રતિભામાં વધારો કરવાની ઉત્તમ તક છે.