અમદાવાદ: શહેરમાં કોરોના વાઈરસને લીધે સૌથી વધુ મોત અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં થાય છે અને તેમાં પણ મોટા પ્રમાણમાં મુસ્લિમો જ મૃત્યુ પામે છે. તેવી રજૂઆત સામે ગુજરાત હાઇકોર્ટમાં સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે, અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલની કામગીરીને સુધારવામાં આવશે.
હાઇકોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી દ્વારા દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર રજૂઆત કરવામાં આવી હતી કે, SVP હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં હિંદુઓને જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમોને દાખલ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં અન્ય ધર્મોના લોકોને પણ દાખલ કરાયા છે, પરંતુ અહીં સૌથી વધુ મોત મુસ્લિમ સમુદાયના લોકોના થાય છે. સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોકટર્સ સેવા આપતા નથી અને માટે જ જુનિયર ડોકટર્સને જવું પડે છે.
SVP હોસ્પિટલમાં કામ કરતી નર્સ અને પેરા મેડિકલ સ્ટાફને પગાર આપવામાં આવતો નથી. જેથી તેમને હડતાળ પર ઉતરવું પડે છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા પણ જુદા-જુદા જોવા મળે છે. શું સિવિલ હોસ્પિટલ સ્મશાન ગૃહ કે કબ્રસ્તાનની જેમ કામ કરી રહ્યું છે. આ મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.