અમદાવાદઃ એક તરફ કોરોના વાઇરસ ચીનમાંથી જ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ત્યારે આવા સમયે એકબીજાની મદદ કરવાની જગ્યાએ ચીન જેવા દેશો દુનિયાના અન્ય દેશો સામે શિંગડા ભેરવી રહ્યાં છે. અમદાવાદમાં પણ લોકોએ ચીનની હરકતોનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે ભારતીય સેના તરફી નારા લગાવ્યાં હતાં. ચીન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ વિરુદ્ધ પણ નારા લગાવ્યાં હતાં. તેમજ ચીનના રાષ્ટ્રધ્વજને બાળવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લોકોએ 'મેડ ઈન ચાઈના'ની વસ્તુઓના ન ખરીદવા પ્રતિજ્ઞા કરી હતી. અમદાવાદના અમરાઈવાડીમાં રબારી કોલોની પાસે સ્થાનિકોએ ધારાસભ્ય જગદીશ પટેલ સાથે ભારતીય સેનાને સમર્થન જાહેર કરી ભારત સરકાર જે કોઈ નિર્ણય લે તેની સાથે હોવાની પ્રતિતી કરાવીને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.