- સાવકી માતાએ જ પૈસા માટે પુત્રની કરી હત્યા
- પુત્રના નામે સંબધીઓ પાસેથી રૂપિયા માંગ્યા હતા
- પુત્રે મારા નામે પૈસા ઉઘરાવાનું ના પાડતા કરી હત્યા
અમદાવાદ : આપણી સામે અનેક અચરજ ભર્યા કિસ્સાઓ આવતા હોય છે, ત્યારે તેવો જ એક કિસ્સો અમદાવાદ જિલ્લાના કણભામાં બન્યો છે. જેમાં રૂપિયાની લેતીદેતીમાં પુત્રએ સાવકી માતાને ઠપકો આપતા માતાએ તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા કરીને મૃતદેહને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાવકી માંએ પુત્રના નામે સંબધીઓ પાસેથી રૂપિયા માંગ્યા હતા, જેની જાણ પુત્રને થતા તેમને આવું નહી કરવા માટે થપકો આપ્યો હતો.
આ પણ વાંચો: ખેડામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસ અડધી ચીરાઈ, 32ને ઈજા
ઉલટ તપાસમાં સાવકી માતાનું નામ સામે આવ્યું
કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામમાં રહેતો હાર્દિક પટેલ નામનો યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જો કે પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના દાયરામાં આવી હતી. જેથી પોલીસે તેની ઉલટ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે જ અન્ય ત્રણ શખ્સો સાથે મળીને હાર્દિકની હત્યા કરી મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો, જેમા ગઇકાલે નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરી પટેલની ધરપકડ કરવામાં આવી હતી. માતાએ નાસીકથી તેમના 3 મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધો હતો.
શું હતો સમગ્ર મામલો ?
ઘટનાની વાત કરીએ તો 2 પુત્રને સાચવવા માટે પિતાએ બીજા લગ્ન કર્યા હતા. રજની પટેલની પહેલી પત્નીનું કુદરતી મોત થયુ હતું, જેમાં તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને 7 વર્ષ પહેલા નાસીકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા. લગ્ન બાદ ગૌરીબેન રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતા હતા, પરંતુ થોડાક સમય પહેલા રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયુ હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા. હાર્દિક પટેલ અને તેમનો પરિવાર સુખી હોવાના કારણે ગૌરીબેને સંબધીઓ પાસેથી રૂપિયા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે, તેમ કહીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્કિદને આ વાતની જાણ થતા તેમને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું કહ્યુ હતું, ત્યારબાદ નાસીકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આ પણ વાંચો: તાજીયા જૂલુસ અને દશામાની મૂર્તિના વિસર્જનને લઈ અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
મૃતદેહને કોથળામાં ભરી ફેંકી દીધો
નાસીકથી ત્રણ શખ્સો કણભા આવી હાર્કિદને ગળેટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદ મૃતદેહને કોથળામાં ભરી દીધો હતો. આ બાદ મૃતદેહને ઠેકાણે લગાવવા રાતની રાહ જોતા હત્યારાઓએ રાત પડ્યે જ અવાવરૂ જગ્યામાં ફેંકી દીધો હતો. એક ઓળખીતા રિક્ષા ચાલકને બોલાવ્યો હતો અને રિક્ષામાં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા, ત્યારે પોલીસે મહિલાની ધરપકડ કરીને અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.